Get The App

સર્વપિતૃ અમાસના દિવસે જ સૂર્યગ્રહણનો યોગ, જાણો શ્રાદ્ધ કર્મ પર અસર થશે કે નહીં

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
સર્વપિતૃ અમાસના દિવસે જ સૂર્યગ્રહણનો યોગ, જાણો શ્રાદ્ધ કર્મ પર અસર થશે કે નહીં 1 - image

Surya Grahan 2025: તાજેતરમાં જ ગત 7, સપ્ટેમ્બર 2025ના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું. તો હવે આ જ મહિનાની 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન જેવી ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તો, સૂર્ય કે ચંદ્રગ્રહણ દરમિયાન ધાર્મિક વિધિઓ કે અનુષ્ઠાન વગેરે કરવામાં આવતા નથી. સ્નાન, દાન અને પૂજા જેવી ક્રિયાઓ સામાન્ય રીતે ગ્રહણ સમાપ્ત થયા પછી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, આવું કરવાથી ગ્રહણની નકારાત્મક અસરોથી બચી શકાય છે. ત્યારે આ સ્થિતિમાં ઘણા લોકોને ચિંતા થઈ રહી છે કે, સૂર્યગ્રહણને કારણે તેઓ શ્રાદ્ધકર્મ કેવી રીતે કરી શકાશે. 

આ પણ વાંચો: સૂર્યગ્રહણ પહેલા થશે સૂર્યનું ગોચર, આ રાશિના જાતકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર!

સૂર્યગ્રહણને કારણે શ્રાદ્ધકર્મમાં નહીં આવે વિક્ષેપ

ભારતીય સમય પ્રમાણે આ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10.59 વાગ્યે શરુ થશે અને મોડી રાત્રે 03.23 વાગ્યે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, 21 સપ્ટેમ્બરના રોજ થનારું આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. તેથી, તેનો સૂતક કાળ પણ ભારતમાં લાગુ પડશે નહીં. પરિણામે, આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ વગેરે ધાર્મિક વિધિઓ કોઈપણ રોકટોક વિના કરી શકાય છે. આ સ્થિતિમાં તમે 21 સપ્ટેમ્બરના રોજ બપોરે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકશો. સૂતક કાળ ન હોવાને કારણે આ દિવસે મંદિરનો કપાટ બંધ નહીં રહે. તેમજ પૂજા કે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં કોઈ વિક્ષેપ નહીં આવે. કુતપ વેલામાં તમારા પૂર્વજોનું શ્રાદ્ધ, પિંડદાન કર્યા પછી તમે આરામથી બ્રાહ્મણ ભોજન અને દાન પ્રક્રિયા કરી શકો છો.

કયા દેશોમાં જોવા મળશે સૂર્યગ્રહણ

આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, આફ્રિકા, હિંદ મહાસાગર, દક્ષિણ પ્રશાંત, એટલાન્ટિક અને દક્ષિણ મહાસાગર સહિત પોલિનેશિયા, મેલેનેશિયા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ઉપરાંત, ન્યુઝીલૅન્ડના મુખ્ય શહેરો જેમ કે ઓકલૅન્ડ, ક્રાઇસ્ટચર્ચ, વેલિંગ્ટન અને નોર્ફોક આઇલૅન્ડના કિંગ્સ્ટન પણ આ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે.

સૂર્યગ્રહણ દરમિયાન રાખો આ સાવચેતીઓ

નકારાત્મક ઉર્જાથી રક્ષણ 

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. જેથી કરીને આ સમયગાળા દરમિયાન મનને શાંત રાખવા માટે વૈદિક મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

ખોરાક લેવા અંગે

સૂર્યગ્રહણ ચાલુ થતાં પરંપરાગત માન્યતાઓ મુજબ ઘણા લોકો ખોરાક અને પાણીનું સેવન કરતા નથી. પરંતુ આ બધું ત્યારે જ માન્ય છે જ્યારે ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું હોય.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 15 થી 21 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહે

ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સાવધાની 

સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર આરામ કરવાની અને ગ્રહણના સમયગાળા દરમિયાન બહારના વાતાવરણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

ધાર્મિક કાર્યો

સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને પૂજા-પાઠ કરવાની અને તમારી ક્ષમતા અનુસાર દાન આપવાની સલાહ આપવામાં આવે છે.