શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું, પૂજાનું પૂરુ ફળ મળશે!
Shravan 2025: ઉત્તર ભારતમાં મહાદેવનો પ્રિય શ્રાવણ મહિનો 11 જુલાઈ 2025થી શરૂ થઈ ગયો છે અને ગુજરાત સહિત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતમાં શ્રાવણ 25 જુલાઈથી શરુ થશે અને 23 ઓગસ્ટ સુધી ચાલશે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનાને શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવ ભક્તો આ દરમિયાન શિવલિંગની પૂજા કરે છે અને ફળ-ફૂલ, ધતૂરો, ભાંગ અને બિલિપત્ર ચઢાવે છે. આ સાથે જ ભક્તો ઉપવાસ પણ કરે છે.
દેવાધિ દેવ મહાદેવને બિલિપત્ર ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બિલિપત્ર ચઢાવવાથી ભોળેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રોમાં બિલિપત્ર ચઢાવવાનો ખાસ નિયમ જણાવવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતા તેમને પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. આવી સ્થિતિમાં ચાલો એ જાણીએ કે, શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ખંડિત બિલિપત્ર ન ચઢાવવા
બિલિપત્ર ચઢાવતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, બિલિપત્રનો કોઈ પણ ભાગ ક્યાંયથી ખંડિત ન હોવો જોઈએ. શિવલિંગ પર હંમેશા તાજુ અને સ્વચ્છ બિલિપત્ર ચઢાવવું જોઈએ.
ત્રણ પાન વાળું બિલિપત્ર જ ચઢાવવું
હંમેશા ત્રણ પાન વાળું બિલિપત્ર જ શિવલિંગ પર ચઢાવવું જોઈએ. આ ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને દર્શાવે છે.
આવી રીતે ચઢાવો બિલિપત્ર
શાસ્ત્ર પ્રમાણે શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતી વખતે બિલિપત્રનો મુલાયમ ભાગ શિવલિંગ પર આવવો જોઈએ. આ સાથે જ બિલિપત્ર ચઢાવતી વખતે 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો જોઈએ.