Get The App

Shardiya Navratri 2025 : ત્રીજા નોરતાએ કરો મા ચંદ્રઘંટાની પૂજા, જાણી લો સંપૂર્ણ વિધિ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
Shardiya Navratri 2025 : ત્રીજા નોરતાએ કરો મા ચંદ્રઘંટાની પૂજા, જાણી લો સંપૂર્ણ વિધિ 1 - image


Shardiya Navratri 2025 : શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપમાં મા ચંદ્રઘંટાની પૂજા થાય છે. મા ચંદ્રઘંટા પોતાના ભક્તોને ધીરજ, શક્તિ અને મનની શાંતિ આપે છે. માના કપાળ પર ઘંટ જેવા આકારનો અર્ધચંદ્ર હોય છે, જેના કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી છે, અને તેઓ યુદ્ધ મુદ્રામાં હોય છે. મા ના દસ હાથ હોય છે, જેમાં અલગ-અલગ હથિયાર અને કમળનું ફૂલ હોય છે, અને તેમનું વાહન સિંહ છે, જે હિંમત અને બહાદુરીનું પ્રતીક છે.

મા ચંદ્રઘંટાનું સ્વરૂપ દર્શાવે છે કે, મા શાંતિ અને શક્તિની સાથે-સાથે પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જ્યારે મા પાર્વતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તેમણે પોતાના કપાળ પર ઘંટડી આકારનો અર્ધચંદ્ર  ધારણ કર્યો હતો. તેમના લગ્ન પછી જ્યારે રાક્ષસોએ કૈલાશ પર હુમલો કર્યો ત્યારે તેમણે મા ચંદ્રઘંટા બનીને તેમનો સંહાર કર્યો. આ દર્શાવે છે કે, માનું આ સ્વરૂપ શક્તિ, હિંમત અને રક્ષણનું પ્રતીક છે.

મા ચંદ્રઘંટાની પૂજા-વિધિ

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા સ્થળને સાફ કરો. ત્યાં લાલ કે પીળો કપડું પાથરીને મા ચંદ્રઘંટાની મૂર્તિ અથવા તસવીર તૈયાર રાખો. પૂજા માટે લાલ ફૂલ, અગરબત્તી, દીવા, હળદર, કુમકુમ, ચોખા, મીઠાઈ, ફળ અને થોડું પાણી અથવા ગંગાજળ એકત્રિત કરો.

સૌથી પહેલા દીવો પ્રગટાવો અને અગરબત્તી કરો. પછી હળદર, કુમકુમ અને ચોખાનો તિલક કરીને ફૂલ ચઢાવો. ભોગ માટે મીઠાઈ અને ફળ મૂકો. આ દિવસે ખાસ કરીને માને ધીરજ, હિંમત અને જીવનની મુશ્કેલી સામે લડવા માટે શક્તિ માટે પ્રાર્થના કરો. આ રીતે આ પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે.

આ પણ વાંચો: 'ભારત અમારી તરફેણમાં...' રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેન પ્રમુખે ટ્રમ્પના દાવાની પોલ ખોલી

મા ચંદ્રઘંટાનો મહિમા

મા ચંદ્રઘંટા આપણને શીખવે છે કે જીવનમાં હિંમત અને ધૈર્ય ખૂબ જ જરૂરી છે, અને આપણી અંદરની શક્તિને ઓળખીને જ આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. નવરાત્રીના ત્રીજા દિવસે તેમનું ધ્યાન કરો, ભક્તિ કરો અને તમારા જીવનમાંથી ભય અને નબળાઈઓને દૂર કરો. માના આશીર્વાદથી તમારા જીવનમાં શાંતિ, સફળતા અને ખુશી આવશે.

Tags :