'ભારત અમારી તરફેણમાં...' રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેન પ્રમુખે ટ્રમ્પના દાવાની પોલ ખોલી
Ukrain Russia War Updates : યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સકીએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની ભૂમિકા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભારત આ યુદ્ધમાં યુક્રેનના પક્ષમાં છે. તેમણે ઉર્જા ક્ષેત્રમાં ભારત સાથેની કેટલીક સમસ્યાઓનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. ઝેલેન્સકીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ ભારતનું નામ લીધું હતું.
રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર અમેરિકાએ સૌથી વધુ 50% ટેરિફ લાદ્યો
મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પોતાના સંબોધનમાં, ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા પાસેથી ઓઈલ ખરીદીને યુક્રેનમાં યુદ્ધ ભડકાવવાની કામગીરી ભારત અને ચીન કરી રહ્યા છે. ટ્રમ્પ સરકારે રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે, જેનાથી અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
ઝેલેન્સકીએ શું કહ્યું હતું?
એક ઈન્ટરવ્યૂમાં પત્રકારે ટ્રમ્પને ટાંકીને કહ્યું હતું કે ભારત અને ચીન બંને યુક્રેન યુદ્ધમાં ફાળો આપી રહ્યા છે. તેનો જવાબ આપતા યુક્રેન પ્રમુખ ઝેલેન્સકીએ પત્રકારના દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો. ટ્રમ્પના દાવાથી વિપરીત, તેમણે કહ્યું, "ના, ભારત મોટે ભાગે અમારા પક્ષમાં છે. અમારી વચ્ચે ઊર્જા મુદ્દે કેટલીક સમસ્યાઓ છે, પરંતુ તેનું નિવારણ થઇ શકે છે. યુરોપે ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા જોઈએ." તેમણે વધુમાં કહ્યું કે આપણે ભારતથી દૂર ન રહેવું જોઈએ. ઝેલેન્સકીએ આશા વ્યક્ત કરી કે રશિયન ઓઈલ મુદ્દે ભારતનું વલણ બદલાશે.