શરદ પૂનમે ભક્તોને આશીર્વાદ આપવા આવે છે મા લક્ષ્મી, ઘરના મુખ્ય દ્વાર પર જરૂર કરો આ ઉપાય
Sharad Purnima 2025: ભારતભરમાં આગામી 6 ઑક્ટોબરે શરદ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવશે. એવી માન્યતા છે કે, આ રાતે ચંદ્રમા ધરતીથી ખૂબ જ નજીક હોય છે. શરદ પૂર્ણિમાના વ્રતનો વિશેષ મહિમા રહેલો છે. એવું કહેવાય છે કે, આ દિવસે ધનની દેવી મા લક્ષ્મીનું અવતરણ થયું હતું. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
નારદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાતે માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને પૃથ્વીનું ભ્રમણ કરે છે. એટલે આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા-અર્ચના કરવાનું વિધાન છે. એવી માન્યતા રહેલી છે કે, આ દિવસે દેવી લક્ષ્મી તેના ભક્તોને ધન, વૈભવ, યશ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. તેથી, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવીને દેવીનું સ્વાગત કરવું જોઈએ.
શરદ પૂર્ણિમાની રાતનું અત્યંત વિશેષ મહત્ત્વ
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે ભવ્ય મહારાસનું આયોજન કર્યું હતું. એવું કહેવાય છે કે, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે નૃત્ય કરવા માટે વિવિધ સ્વરૂપો પ્રગટ કર્યા હતા. આ દિવ્ય રાસલીલા માત્ર નૃત્ય જ નથી, પરંતુ પ્રેમ, ભક્તિ અને આનંદનું અનોખું પ્રતીક માનવામાં આવે છે.
મા લક્ષ્મીનો અવતાર
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, શરદ પૂર્ણિમાની રાત્રે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. એ જ કારણ છે કે શરદ પૂર્ણિમાને દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. આ ઉપરાંક કેટલીક જગ્યાએ કુંવારી કન્યાઓ આ દિવસે સૂર્ય અને ચંદ્ર દેવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
આ પણ વાંચો: શરદ પૂર્ણિમાના અત્યંત પવિત્ર દિવસે આ 6 કામ કરવાથી ધન-વૈભવ વધશે, મા લક્ષ્મીની કૃપા વરસશે
કેમ ખુલ્લા આકાશમાં ખીર રાખવામાં આવે છે?
શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવાની પરંપરા છે. એવું કહેવાય છે કે, આ રાત્રે ચંદ્રમાની રોશનીમાંથી અમૃત વરસે છે. આ ખીર ખાવાથી સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. જેથી કરીને લોકો શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની છાયા નીચે ખીર રાખે છે અને પછી બીજા દિવસે સવારે તેને ખાય છે. એવું કહેવાય છે કે, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની રોશની નીચે રાખેલી ખીર ખાવાથી પરિવારનો ભાગ્યોદય થાય છે અને રોગોમાંથી મુક્તિ મળે છે.