પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ; જાણો તેનું મહત્ત્વ, વિધિ અને નિયમો
Pitru Paksha 2025: આજે પિતૃ પક્ષનો પહેલો દિવસ એટલે કે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં 16 દિવસ નિયમ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં 12 પ્રકારના શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ત્રિપિંડી શ્રાદ્ધ છે. ત્રિપિંડી શ્રાદ્ધ કોના માટે કરવામાં આવે છે, આ શ્રાદ્ધ કોણ કરી શકે છે અને તેનું શું મહત્ત્વ છે તે જાણીએ.
ત્રિપિંડી શ્રાદ્ધ શું છે
ત્રિપિંડી શ્રાદ્ધનો અર્થ એવો છે કે, પરિવારની છેલ્લી ત્રણ પેઢીઓનું પિંડદાન કરવું અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અકાળે, નાની ઉંમરમાં અથવા વૃદ્ધાવસ્થામાં મૃત્યુ થયું હોય તો તેમની આત્માની શાંતિ અને મોક્ષ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.
તમોગુણી, રજોગુણી અને સતોગુણી આ ત્રણ પ્રકારની પ્રેત યોનીઓ હોય છે. જ્યારે કોઈ આત્મા જીવનકાળમાં અશાંત રહે છે અને શરીરનો ત્યાગ કર્યા પછી શાંતિ પ્રાપ્ત નથી કરી શકતાં, તો તે પોતાના વંશજોને દુખ પહોચાડે છે.
ત્રિપિંડી શ્રાદ્ધ ત્ર્યંબકેશ્વરમાં કરવામાં આવે છે
પિતૃ પક્ષમાં ત્રિપિંડી શ્રાદ્ધ પાંચમ, આઠમ, અગિયારસ, તેરસ, ચૌદશ અને અમાવસ્યામાંથી કોઈપણ એક દિવસ કરી શકાય છે. ત્રિપિંડી શ્રાદ્ધ ત્ર્યંબકેશ્વરમાં કરવામાં આવે છે. જે ભગવાન શિવજીનું પવિત્ર સ્થાન ગણાય છે.
કોણ કરી શકે છે ત્રિપિંડી શ્રાદ્ધ
અવિવાહિત પુરુષ, પતિ-પત્ની સાથે અથવા વિધવા મહિલાઓ આ શ્રાદ્ધ તેમના પૂર્વજોના મોક્ષ અપાવવા માટે અને પરિવારના કલ્યાણ માટે કરી શકે છે.