માત્ર શ્રીરામનું આગમન નહીં! દિવાળીના પાવન પર્વ સાથે જોડાયેલી છે આ 6 અજાણી કથાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Six Sacred Legends Behind Festival Of Lights: દિવાળીનું નામ સાંભળતાં જ સામાન્ય રીતે મનમાં લંકાપતિ રાવણ પર વિજય મેળવીને 14 વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીના અયોધ્યા આગમનની છબી ઉપસી આવે છે. મોટાભાગના લોકો માટે આ પર્વ માતા લક્ષ્મીજીનું સ્વાગત, ભગવાન ગણેશજીની પૂજા, દીવાઓની રોશની અને ફટાકડાની ગૂંજ સાથે જોડાયેલો છે.
જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે દીપોત્સવ માત્ર અયોધ્યામાં પ્રભુ રામના સ્વાગત પૂરતો સીમિત નથી, પરંતુ ભારતીય ઉપખંડની વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો અને યુગો સાથે જોડાયેલી 6 મોટી ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાઓ આ પાવન દિવસ સાથે વણાયેલી છે.
દિવાળી સાથે જોડાયેલી 6 મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ
● ભગવાન શ્રીરામનું અયોધ્યા આગમન: રામાયણ અનુસાર, 14 વર્ષના વનવાસ અને રાવણના વધ બાદ પ્રભુ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર નગરીએ માટીના દીવાઓ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દીવાઓ અસત્ય પર સત્યના વિજય, આશા અને નવી ઉર્જાનું પ્રતીક બન્યા હતા.
● નરકાસુર વધ અને 16 હજાર કન્યાઓની મુક્તિ: પૌરાણિક માન્યતા મુજબ, નરકાસુર નામના અત્યાચારી અસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો અને 16,000થી વધુ સ્ત્રીઓને બંદી બનાવી લીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ માતા સત્યભામાની સહાયથી નરકાસુરનો વધ કરીને તમામ નિર્દોષ સ્ત્રીઓને મુક્ત કરાવી હતી. આ વિજય 'નરક ચતુર્દશી' કે નાની દિવાળી તરીકે ઉજવાય છે.
● સિખ ધર્મમાં 'બંદી છોડ દિવસ': સિખ સમુદાય માટે દિવાળીનો દિવસ આઝાદી અને ન્યાયનું પ્રતીક છે. મુઘલ બાદશાહ જહાંગીરે સિખોના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોબિંદ સાહેબને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા. આ દિવસે તેઓ કેદમાંથી મુક્ત થયા અને સાથે અન્ય 52 હિન્દુ રાજાઓને પણ પોતાની સાથે મુક્તિ અપાવી હતી. તેમના અમૃતસર આગમનની સ્મૃતિમાં આજે પણ સુવર્ણ મંદિરને અસંખ્ય દીપમાળાઓથી શણગારવામાં આવે છે.
● માતા લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિવસ: પૌરાણિક માન્યતા અનુસાર, દેવો અને દાનવો દ્વારા અમૃત પ્રાપ્તિ માટે કરવામાં આવેલા ક્ષીરસાગરના સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પૈકી ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી માં લક્ષ્મીજી કમળ પર બિરાજમાન થઈને પ્રગટ થયા હતા. ત્યારબાદ તેમણે શ્રીહરિ વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા હતા. લક્ષ્મીજીના આ પ્રાગટ્ય ઉત્સવ તરીકે દિવાળી પર વિશેષ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.
● ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ: જૈન પરંપરામાં દિવાળીનું પર્વ અત્યંત પવિત્ર મનાય છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કારતક અમાસના દિવસે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પ્રાપ્ત કર્યું હતું. તેમના નિર્વાણ બાદ ફેલાયેલા આધ્યાત્મિક અંધકારને દૂર કરવા અને તેમના દિવ્ય જ્ઞાનની સ્મૃતિને કાયમી રાખવા અનુયાયીઓએ દીવાઓ પ્રગટાવ્યા હતા, જેનાથી જૈન ધર્મમાં દીપાવલીની પરંપરા શરૂ થઈ.
● વામન અવતાર અને રાજા બલિનો ઉદ્ધાર: ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને દાનવીર રાજા બલિ પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી હતી. બે ડગલાંમાં સમગ્ર પૃથ્વી અને આકાશ માપ્યા બાદ ત્રીજા ડગલા માટે રાજા બલિએ પોતાનું મસ્તક સમર્પિત કરી દીધું હતું. શ્રીહરિએ તેમને પાતાળ લોકનું રાજ્ય સોંપી વરદાન આપ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની પ્રજાને મળવા પૃથ્વી પર આવી શકશે. આ આગમનની ખુશીમાં દિવાળી અને બીજા દિવસે 'બલિ પ્રતિપદા'ની ઉજવણી કરવામાં આવે છે.




