જાણો, કેમ આ મંદિરમાં કાળા કૂતરાંની પૂજા કરવામાં આવે છે?

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર 2020, ગુરુવાર
તમે મંદિરમાં દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી હશે. પરંતુ શું તમે કોઇ એવા મંદિર વિશે સાંભળ્યું છે જેમાં કૂતરાંની પૂજા કરવામાં આવે છે. ભારતમાં જ એક એવું મંદિર છે જે કુકુરદેવ મંદિરના નામથી ઓળખાય છે અને છત્તીસગઢમાં આવેલું છે. જાણો, આ મંદિર સાથે સંકળાયેલી માન્યતાઓ અને આ મંદિરના નિર્માણ કારણ વિશે...
મંદિરની માન્યતાઓ
આ મંદિર છત્તીસગઢના રાયપુર જિલ્લાના ખપરી ગામમાં આવેલું છે. આ મંદિરના પ્રવેશ દ્વાર પર બંને તરફ કૂતરાંની મૂર્તિઓ મુકવામાં આવી છે. મંદિરની અંદર શિવલિંગની બાજુમાં કાળા કૂતરાંની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં શ્રાવણમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. અહીં આવનાર ભક્ત ભગવાન ભોલેનાથની સાથે-સાથે કૂતરાંની પણ પૂજા-અર્ચના કરે છે.
માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ કુકુરદેવ મંદિરમાં કૂતરાંની પૂજા કરે છે, તેમને ક્યારેય કુકર ખાંસી થતી નથી અને કૂતરાં પણ કરડતાં નથી.
કુકુર દેવ મંદિર નિર્માણની કથા
કુકર દેવ મંદિર એક કૂતરાંની યાદમાં બનાવવામાં આવ્યું છે. સદીઓ પહેલાં એક વણજાર પોતાના પરિવાર અને એક કૂતરાં સાથે આ ગામમાં આવ્યો હતો. વણજારો ખૂબ જ ગરીબ હતો અને ગામમાં દુકાળના લીધે તે ખૂબ જ પરેશાન રહેતો હતો. તેના પરિવાર પાસે બે ટંક ભોજન માટે પણ કંઇ ન હતું. એવામાં વણજારાએ ત્યાંના સાહૂકાર પાસેથી ઉધારીમાં પૈસા લીધા. પરંતુ તે સમય પર પોતાના દેવાંની ભરપાઇ કરી શક્યો નહીં.
એવામાં સાહૂકારે ગરીબ વણજારાને ખૂબ જ ખખડાવ્યો. ત્યારે વણજારો રડતાં રડતાં પોતાના ઘરે પહોંચ્યો અને તેણે પોતાનો વફાદાર કૂતરો સાહૂકાર પાસે ગીરવે રાખવાનો નિર્ણય કરી લીધો.
કૂતરાંની વફાદારી
એક દિવસે સાહૂકારના ઘરે ચોરી થઇ. ચોરે સાહૂકારના ઘરેથી તમામ કિંમતી વસ્તુઓની ચોરી કરી દીધી. ત્યારબાદ ચારે તમામ કિંમતી સામાનને જમીનમાં દાટી દીધો. કૂતરો ચોરની તમામ હરકતો જોઇ રહ્યો હતો. જ્યારે સાહૂકારે ચોરી વિશે જાણ્યું ત્યારે તે ખૂબ જ દુખી થયો પરંતુ કૂતરો તેને ત્યાં સુધી લઇ ગયો જ્યાં ચોરે કિંમતી સામાન છુપાડ્યો હતો. સાહૂકારે ખાડો ખોદ્યો તો તેને તેનો સામાન પાછો મળી ગયો. સાહૂકાર કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ થયો અને તેણે કૂતરાને વણજારાને પરત કરવાનો નિર્ણય કર્યો.
વણજારાએ કૂતરાંની સાથે મારપીટ કરી તેને મારી નાંખ્યો
સાહૂકારે વણજારાના નામે એક પત્ર લખીને કૂતરાંના ગળામાં બાંધી દીધી. કૂતરું વણજારા પાસે પહોંચ્યું પરંતુ વણજારો તેને જોઇને ક્રોધિત થઇ ઉઠ્યો. તેને થયું કે તે સાહૂકાર પાસેથી ભાગીને તેની પાસે આવી ગયું છે અને ગુસ્સામાં વણજારાએ કૂતરાંને ખૂબ માર્યુ કે કૂતરું ત્યાં જ મૃત્યુ પામ્યું.
વણજારાનો ગુસ્સો શાંત થયો ત્યારે તેણે કૂતરાંના ગળે બાંધેલો પત્ર વાંચ્યો તો તે સ્તબ્ધ થઇ ગયો. પત્ર વાંચીને તેને પોતાની ભૂલનો ખૂબ જ પછતાવો થયો. ત્યારબાદ તેણે તે જ જગ્યાએ મૃત કૂતરાંને દાટી દીધો અને સ્મારક બનાવી દીધું. ત્યારબાદ આ સ્મારકને લોકોએ મંદિરનું સ્વરૂપ આપી દીધું. આજે આ મંદિરને કુકર દેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

