Get The App

કેવી રીતે શરુ થઈ દિવાળી ઉજવવાની પરંપરા, જાણો પૌરાણિક કારણ અને ચારેય યુગની કથા

Updated: Oct 31st, 2024

GS TEAM


Google News
Google News
Diwali


Diwali Festival : દિવાળીનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળીનો તહેવાર 31મી ઑક્ટોબર એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી એ દીવા અને પ્રકાશનો તહેવાર છે. તેમજ આ દિવસ પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો દિવાળીમાં દીવા પ્રગટાવીને અમાવસ્યાના અંધકારને દૂર કરવાનો પ્રયાસ કરે છે. કારણ કે, સનાતન શાસ્ત્રોમાં દીપ જ્યોતિને સાક્ષાત્ પરબ્રહ્મ અને જનાર્દનને વિષ્ણુ માનવામાં આવ્યા છે. તેથી દિવાળી એ આત્માને જાગૃત કરવાનો તહેવાર છે. આવો જાણીએ ચારેય યુગમાં દિવાળીની કથા વિશે.

સત્યયુગની દિવાળી કથા

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, સત્યયુગમાં જ્યારે દેવતાઓએ દાનવોની સાથે મળીને સમુદ્રમંથન કર્યું, ત્યારે ધન્વંતરિ દેવ પ્રગટ થયા અને હલાહલ વિષ સાથે અમૃત ગ્રહણ કર્યું અને યોગાનુયોગ આ તિથિ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની હતી. એવું માનવામાં આવે છે કે ત્યારથી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસ ઉજવવાની પરંપરા શરુ થઈ હતી. સમુદ્રમંથનથી જ માતા લક્ષ્મી કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે કમળ પર બેઠેલા પ્રગટ થયા અને ત્યારબાદ દેવતાઓએ તેમના પ્રાગટ્યની ઉજવણી માટે પહેલીવાર દિવાળી ઉજવી અને ત્યારથી આ મહાન તહેવાર અસ્તિત્વમાં છે. 

આ પણ વાંચો : દિવાળી પર આ છે શુભ પૂજન મુહૂર્ત, ભગવાન ગણેશ-કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી પ્રાપ્ત થશે સુખ-સમૃદ્ધિ

ત્રેતાયુગની દિવાળી કથા

વાલ્મિકી રામાયણ અને તુલસીદાસની રામચરિતમાનસ પ્રમાણે, ત્રેતામાં ભગવાન રામ જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તો, અયોધ્યાવાસીઓએ એ રાત્રે આખા રાજ્યમાં દીવડા પ્રગટાવીને ઉજવણી કરી હતી. દુષ્ટતાના પ્રતિક રાવણનો વધ કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા, તેથી ત્યારથી દિવાળીને બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે.

દ્વાપરયુગમની દિવાળી કથા 

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, દ્વાપરયુગમાં નરકાસુર નામનો એક દાનવ હતો. તેને વરદાન મળ્યું હતું કે, ભૂદેવીના સિવાય તેને કોઈ મારી શકતું નથી. નવકાસુરે તેના આ વરદાનનો ફાયદો ઉઠાવીને દેવતાઓ પર અત્યાચાર કરવાનું શરુ કર્યું. નરકાસુરના આતંકથી પોતાને બચાવવા માટે, બધા દેવતાઓ ગભરાઈને ભગવાન કૃષ્ણની પાસે આવ્યા, કારણ કે શ્રી કૃષ્ણની પત્ની સત્યભામા ભૂદેવીનો અવતાર હતા, તેથી જ ભગવાન કૃષ્ણ નરકાસુર સામે લડવા માટે સત્યભામા સાથે રથ પર સવાર થઈ ગયા.

આ પણ વાંચો : વાંચો તમારું 31 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

પરંતુ, નરકાસુરનું તીર શ્રી કૃષ્ણને લાગ્યું. પોતાના પતિ પરમેશ્વરને ઈજાગ્રસ્ત જોઈને સત્યભામા ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેણે નરકાસુરને બાણ વડે મારી નાખ્યો. યોગાનુયોગ એ દિવસે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી હતી. તેથી, નરકાસુરના વધની ઉજવણી કરવા માટે, બીજા દિવસથી નરક ચતુર્દશી અને દિવાળીના તહેવારની ઉજવણી શરુ થઈ.

કલયુગની દિવાળી કથાઓ 

- જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે પોતાનો નશ્વર દેહ છોડ્યો હતો. તેથી, આ દિવસ ભગવાન મહાવીરના નિર્વાણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો, કારણ કે મહાવીરના અનુયાયીઓ માનતા હતા કે તેમના મૃત્યુ પછી આંતરિક પ્રકાશ ગયો હતો, તેથી તેમના નિર્વાણના દિવસે દીવો પ્રગટાવીને તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

- બૌદ્ધ ધર્મમાં પણ દિવાળીનું ખૂબ મહત્ત્વ છે. હકીકતમાં, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે, ભગવાન બુદ્ધ 18 વર્ષ પછી તેમના જન્મસ્થળ કપિલવસ્તુ પરત ફર્યા હતા. બૌદ્ધ ગ્રંથો અનુસાર, જ્યારે ગૌતમ બુદ્ધ કપિલવસ્તુ આવ્યા ત્યારે ત્યાંના લોકોએ દરેક ઘરમાં દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું. તે જ સમયે, બુદ્ધે તેમના શિષ્યોને 'અપો દીપો ભવઃ'નો ઉપદેશ આપ્યો હતો અને ત્યારથી તેમની યાદમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : અયોધ્યામાં દિવાળીએ બનશે નવો રેકોર્ડ, દીપોત્સવમાં 25 લાખથી વધુ દીવા પ્રગટાવશે સરકાર

- ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કારતક મહિનાની અમાવસ્યાના દિવસે મંદિરો અને નદીના ઘાટ પર મોટા પાયે દીવા પ્રગટાવવાનું વર્ણન છે.

- આ સિવાય, શીખ ધર્મના અનુયાયીઓ માટે દિવાળીનો દિવસ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. હકીકતમાં, 1618માં કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે, શીખોના છઠ્ઠા ગુરુ, ગુરુ હરગોવિંદ સિંહ સાહિબને અન્ય બાવન કેદીઓ સાથે મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને ગુરુના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેથી શીખ સમુદાયના લોકો પણ આ દિવસને બંદી છોડ દિવસ એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે.

- ઘણા ઇતિહાસકારોએ મુઘલ સમ્રાટ અને દીન-એ-ઈલાહીના પ્રણેતા અકબર દ્વારા પણ દિવાળીની ઉજવણીનો ઉલ્લેખ કર્યો છે. કહેવાય છે કે અકબરના શાસનકાળમાં દિવાળીના દિવસે દોલતખાનાની સામે ચાલીસ ગજ ઊંચા પાયા પર એક મોટો આકાશ દીવો લટકાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આજે નરક ચતુર્દશી જેને 'છોટી દિપાવલી' પણ કહેવાય છે, જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

આ બધી કથાઓ દર્શાવે છે કે, કારતક મહિનાની અમાવાસ્યાનું પૌરાણિક અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી ઘણું મહત્ત્વ છે.

Tags :