Dhanteras 2025: આજે 18 ઑક્ટોબરે ધનતેરસ ઉજવવામાં આવી રહી છે. જેમાં માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.
સાંજે ઘરમાંથી કચરો ન કાઢવો
ધનતેરસ પર સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે, પણ સાંજે કચરો કાઢવો એ અશુભ મનાય છે. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરની બરકત જઈ શકે છે, તેથી આ ટાળવું જોઈએ.
દરવાજો બંધ ન કરો
એવું માનવામાં આવે છે કે ધનતેરસની રાતે માતા લક્ષ્મી પોતે ઘરે-ઘરે ફરે છે. તેથી આ દિવસે ઘરના દરવાજાને બંધ કરવો અથવા તાળું મારવું અશુભ માનવામાં આવે છે. જો ઘરનો મુખ્ય દરવાજો બંધ હોય, તો ઘર માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી જાય છે.
મીઠાનું દાન ન કરો
ધનતેરસના દિવસે ગરીબોને ભોજન, કપડાં, દીવા કે ધનનું દાન કરવું શુભ છે, પણ સાંજે કેટલીક વસ્તુઓ, ખાસ કરીને મીઠું અને ખાંડનું દાન વર્જિત છે. સાંજે આ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે, બરકત ઘટે છે, નકારાત્મક ઊર્જા આવે છે અને આર્થિક અસ્થિરતા સર્જાય છે. જ્યોતિષ મુજબ, સાંજે મીઠાનું દાન રાહુનો પ્રભાવ વધારી માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ લાવી શકે છે.
કોઈને પૈસા ઉધાર ન આપો
ધનતેરસની સાંજે પૈસા ઉધાર આપવા કે લેવા બંને અત્યંત અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, આ દિવસે ધન ઉધાર આપવાથી માતા લક્ષ્મી ઘર છોડી જાય છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન ઘરમાં આર્થિક અસ્થિરતા, નુકસાન કે અવરોધ આવી શકે છે.
આ પણ વાંચો: ધનતેરસે ખરીદી ઉપરાંત કરો આ કામ, ઘર ધન-સમૃદ્ધિથી છલકાઈ જશે
ખાલી વાસણ ન લાવો
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હોવાથી ધાતુના વાસણો ખરીદવા અત્યંત શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જોકે, ધનતેરસની સાંજે ખાલી વાસણો ઘરમાં લાવવા ન જોઈએ, કારણ કે તે દરિદ્રતાનું પ્રતીક છે. તેથી, નવા વાસણોને પાણી, દૂધ, ગોળ, પતાશા અથવા ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતીક ગણાતી વસ્તુઓ ભરીને જ ઘરમાં લાવવા જોઈએ.


