Dhanteras 2025: આજે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસ સોના-ચાંદી, સાવરણી, વાહન અને વાસણો જેવી વસ્તુઓની ખરીદી માટે અત્યંત શુભ મનાય છે. આ દિવસે માતા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
જ્યોતિષીઓ અનુસાર, ધનતેરસે ખરીદી સાથે 13 દીવા પ્રગટાવવાનું ખાસ ધાર્મિક મહત્ત્વ છે. આ 13 દીવાઓનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજ સાથે છે અને તેને પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય ઘટે છે. તેથી, આ 13 દીવાઓની સાચી દિશા અને દરેક દીવાનો અર્થ જાણવો જરૂરી છે.
13 દીવાઓની દિશા અને મહત્ત્વ
પહેલો દીવો: પહેલો દીવો ઘરના મુખ્ય દ્વાર પાસે કચરાપેટીની નજીક દક્ષિણ દિશા તરફ મુખ કરીને મૂકવો જોઈએ. કારણ કે દક્ષિણ દિશાને યમ દેવતાની દિશા માનવામાં આવે છે. આ ઉપાય પરિવારને અકાળ મૃત્યુથી બચાવે છે. આ દીવો ચારમુખી અને સરસવના તેલનો હોવો જોઈએ.
બીજો દીવો: બીજો દીવો દેવી-દેવતાઓ અને પૂજા ઘરની સામે રાખવો જોઈએ. આ દીવાની વાટ કેસરની અને તેમાં ઘીનો ઉપયોગ કરવો જોઈએ.
ત્રીજો દીવો: ત્રીજો દીવો ઘરના મુખ્ય દરવાજા પર મૂકવો જોઈએ. આ દીવો ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને પરિવારને ખરાબ નજરથી બચાવીને રાખે છે.
ચોથો દીવો: ચોથો દીવો તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખે છે.
પાંચમો દીવો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, પાંચમો દીવો ઘરની છત પર રાખવો જોઈએ, જે વાસ્તુ દોષોને દૂર કરે છે.
છઠ્ઠો દીવો: છઠ્ઠો દીવો પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો પ્રગટાવવો જોઈએ, જે સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ માટે સારો માનવામાં આવે છે.
સાતમો દીવો: સાતમો દીવો આસ્થા પ્રત્યે સમર્પણનો માનવામાં આવે છે.
આઠમો દીવો: આઠમો દીવો ઘરના સ્ટોર રૂમમાં રાખવો જોઈએ. કહેવાય છે કે આ ઉપાયથી દરિદ્રતાનો નાશ થાય છે.
આ પણ વાંચો: ધનતેરસે કઈ વસ્તુ ખરીદવી અતિશુભ? દિવાળી પર રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો 4 સવાલોના જવાબ
નવમો દીવો: આ દીવો ઘરના બાથરૂમની બહાર પ્રગટાવવો જોઈએ.
દસમો દીવો: આ દીવો ઘરના આંગણામાં પ્રગટાવવો જોઈએ, જેનાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે.
અગિયારમો દીવો: આ દીવો ઘરના કોઈ ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
બારમો દીવો: ધનતેરસની રાત્રે આ દીવો બીલીના વૃક્ષ નીચે રાખવો જોઈએ, જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
તેરમો દીવો: આ દીવો ગલીના ચાર રસ્તા પર રાખવો જોઈએ. કહેવાય છે કે આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.


