Dev Deepawali 2025: હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે, અને તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના બરાબર 15 દિવસ પછી દેવ દિવાળી ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ તહેવાર ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે દેવ દિવાળી કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે આ વખતે 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 3 થી 9 નવેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
દેવ દિવાળીના દિવસે દરેક શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન જેવા શુભ કાર્યો કરે છે. આ દિવસે સંધ્યાકાળ દરમિયાન તમામ ગંગાના કિનારે માતા ગંગાની આરતી અને દિપોત્સવ મનાવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ મહત્ત્વ છે. તો, ચાલો જાણીએ કે દેવ દિવાળીની પૂજા માટેનો શુભ સમય ક્યારે થશે.
દેવ દિવાળી 2025 માટે શુભ મુહૂર્ત
દ્રિક પંચાંગ પ્રમાણે દેવ દિવાળીની પૂર્ણિમાની તિથિ 4 નવેમ્બરના રોજ રાત્રે 10:36 વાગ્યે શરૂ થશે અને 5 નવેમ્બરના રોજ સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સંધ્યાકાળની ગંગા આરતીનો શુભ સમય 5:15 થી 7:50 વાગ્યા સુધીનો રહેશે, જે 2 કલાક અને 37 મિનિટ સુધીનો રહેશે.
દેવ દિવાળી પર રહેશે ભદ્રનો છાયો
વર્ષ 2025 માં દેવ દિવાળી પર પણ ભદ્રનો પડછાયો રહેશે. હકીકતમાં આ અશુભ યોગ આ દિવસે સવારે 8:44 વાગ્યા સુધી રહેશે, જે દરમિયાન ભદ્ર સ્વર્ગમાં બિરાજશે. તેથી પૃથ્વી પર તેની કોઈ નકારાત્મક અસર રહેશે નહીં.
દેવ દિવાળી 2025 શુભ યોગ
પંચાંગમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે દેવ દિવાળી પર શિવવાસ જેવો શુભ યોગ બનવા જઈ રહ્યો છે. જે સાંજે 6:48 વાગ્યે શરૂ થશે. આ શુભ મુહૂર્ત દરમિયાન ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવશે.
દેવ દિવાળી પૂજા વિધિ
દેવ દિવાળીના દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠીને સ્નાન ઈત્યાદી કામ પૂર્ણ કરો. ત્યારબાદ ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. એ પછી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ વિધિ સાથે કરો. દેવ દિવાળીની સાંજે આખા ઘરમાં તેમજ ખાસ કરીને દરેક ખૂણામાં દીવા પ્રગટાવા. ત્યારબાદ, શિવ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી છેલ્લે આરતી કરો.


