Budh Nakshatra Parivartan 2026: દ્રિક પંચાંગ પ્રમાણે 10 માર્ચ 2026ના રોજ બુધ ગ્રહ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને રાહુના સ્વામિત્વ વાળા શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી, વ્યાપાર અને નિર્ણય ક્ષમતાનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બુધના નક્ષત્ર પરિવર્તનની અસર કેટલીક રાશિઓ પર અલગ-અલગ રીતે પડી શકે છે. ખાસ કરીને 3 રાશિના જાતકોને આ સમય દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂર પડે શકે છે. તો ચાલો જાણીએ કે, કઈ રાશિઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે અને કયા ઉપાયોથી સ્થિતિને સારી બનાવી શકાય.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે બુધનું આ નક્ષત્ર પરિવર્તન કરિયરના મામલે કેટલીક મૂંઝવણો લાવી શકે છે. નોકરી અથવા કામ સાથે સંબંધિત નિર્ણયો ઉતાવળમાં ન લેવા. દરેક પગલું સમજી-વિચારીને ભરો. આર્થિક મામલે પણ સાવધાની રાખવી પડશે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળવો શ્રેષ્ઠ છે. આ સમયે ઓછું બોલવાની અને વધુ સાંભળવાની ટેવ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને સામાજિક સ્તરે પણ સારા અનુભવો કરાવી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધ રહેવાની જરૂર છે. કામકાજમાં વિરોધીઓ અથવા સ્પર્ધકો સક્રિય થઈ શકે છે, તેથી ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લેવા. કોઈ પણ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને અભ્યાસ અથવા એકાગ્રતા સાથે સબંધિત કામોમાં પણ થોડી મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે, તેથી શિક્ષકો પાસેથી સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન પૈસાના મામલે ખૂબ ધ્યાન રાખવું પડશે. ખરાબ સંગત અથવા ઉતાવળિયા નિર્ણયો સમય અને પૈસા બંનેનું નુકસાન કરી શકે છે. મુસાફરી કરતી વખતે તમારા સામાનની સલામતીનું ધ્યાન રાખો. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ સાથે દલીલો અથવા મતભેદની સ્થિતિ બની શકે છે, જેનાથી માનસિક તણાવ વધી શકે છે. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે.


