Get The App

31 મેના રોજ આખા ગુજરાતમાં દેખાશે ‘બ્લુ મૂન’, જાણો જોવાનો શ્રેષ્ઠ સમય અને ખાસિયત

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
31 મેના રોજ આખા ગુજરાતમાં દેખાશે ‘બ્લુ મૂન’, જાણો જોવાનો શ્રેષ્ઠ સમય અને ખાસિયત 1 - image

Blue Moon Astronomical Event: અંગ્રેજીમાં એક પ્રખ્યાત રૂઢિપ્રયોગ છે – "Once in a blue moon", જેનો અર્થ થાય છે 'ક્યારેક જ બનતી અતિ દુર્લભ ઘટના'. આ રૂઢિપ્રયોગ જે ખગોળીય ઘટના પરથી આવ્યો છે, તે અદ્ભુત નજારો આગામી 31 મેના રોજ રાત્રે આકાશમાં જોવા મળવાનો છે. અધિક જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે આકાશમાં 'બ્લુ મૂન' (Blue Moon) નો અનોખો નજારો જોવા મળશે.

ગુજરાતમાં ક્યાં ક્યાં દેખાશે આ નજારો?

ખગોળપ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આ અદ્ભુત નજારો જોવા માટે કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર નથી. આ બ્લુ મૂન અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં દરેક જગ્યાએથી આકાશ ચોખ્ખું હશે તો નરી આંખે જોઈ શકાશે.

કયો સમય રહેશે જોવાનો શ્રેષ્ઠ?

ખગોળશાસ્ત્રીય ગણતરી મુજબ, ચંદ્ર ભારતીય સમયાનુસાર 31 મે, 2026 ના રોજ બપોરે 2:15 વાગ્યે તેની પૂર્ણ કળાએ (100% Illumination) પહોંચી જશે. પરંતુ એ સમયે ભારતમાં દિવસ હોવાથી, વાચકો માટે તેને જોવાનો સૌથી શ્રેષ્ઠ સમય 31 મેના રોજ સાંજે સૂર્યાસ્ત પછી (સાંજે 7:15 વાગ્યા પછી) જ્યારે ‘મૂનરાઇઝ’ (ચંદ્રોદય) થશે ત્યારનો રહેશે. આખી રાત આ અદ્ભુત નજારો આકાશમાં માણી શકાશે.

શું ચંદ્ર ખરેખર વાદળી રંગનો દેખાશે?

સામાન્ય રીતે લોકોને એવો ભ્રમ હોય છે કે 'બ્લુ મૂન' એટલે ચંદ્ર વાદળી રંગનો દેખાશે, પરંતુ હકીકતમાં એવું નથી. આ અંગે ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના સંચાલક દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું છે કે, "ચંદ્ર ક્યારેક જ ખાસ વાતાવરણીય પરિસ્થિતિઓમાં વાદળી જેવો ભાસે છે. પરંતુ કેલેન્ડરના નિયમ મુજબ, જ્યારે એક જ અંગ્રેજી મહિનામાં બે પૂનમ આવે, ત્યારે બીજી પૂનમના ચંદ્રને 'બ્લુ મૂન' કહેવામાં આવે છે."


આ પણ વાંચો: નવતપાના છેલ્લા દિવસે ગુરુ ગોચર, ચાર રાશિઓ પર પડશે ભયંકર અશુભ પ્રભાવ

ચાલુ મે મહિનાની શરૂઆતમાં જ એટલે કે 1/5/2026 ના રોજ મહિનાની પહેલી પૂનમ હતી. હવે, મહિનાના અંતમાં એટલે કે 31/5/2026 ના રોજ બીજી પૂનમ આવી રહી છે, જેથી આ રાત્રિના ચંદ્રને 'બ્લુ મૂન' કહેવાશે.

આ વખતે 'માઇક્રો બ્લુ મૂન' કેમ કહેવાય છે?

આ વખતની ઘટના બમણી ખાસ છે કારણ કે 31 મેના રોજ ચંદ્ર પૃથ્વીથી તેના સરેરાશ અંતર કરતાં વધુ દૂર (આશરે 2,52,360 માઇલ દૂર) હશે. આ કારણે તે સામાન્ય પૂનમના ચંદ્ર કરતાં 6% થી 7% જેટલો નાનો અને થોડો ઝાંખો દેખાશે. આથી વૈજ્ઞાનિકો આને 'માઇક્રો બ્લુ મૂન' પણ કહી રહ્યા છે.

દર અઢી વર્ષે સર્જાય છે આ સંયોગ

આ એક અત્યંત અનોખી ઘટના છે જે દર અઢી વર્ષે (આશરે 30 મહિનામાં) એકવાર બને છે. આ અગાઉ આવી ઘટના 31 ઓગસ્ટ 2023 ના રોજ જોવા મળી હતી. હવે 31 મે પછી આવી જ ઘટના અઢી વર્ષ બાદ, એટલે કે ડિસેમ્બર 2028 માં જોવા મળશે.

કુદરતની આ અદ્ભુત અને વિરલ ઘટનાને જોવા માટે કોઈ ટેલિસ્કોપની જરૂર નથી, તમે ખુલ્લા ધાબા પરથી કે અગાસી પરથી સાંજે ચંદ્રોદય સમયે પૂર્વ-દક્ષિણ દિશામાં આ સુંદર નજારો માણી શકો છો.