For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પેલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષ: ભક્તોની હિટ વિકેટ

Updated: May 21st, 2021

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- જેરુસલેમમાં બાબા ફરીદની ગુફા છે, જેનું સંરક્ષણ વર્ષોથી ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે

ભારત કોઈ પણ પ્રકારની હિંસાની નિંદા કરે છે અને જે તનાવ પેદા થયો છે તે તાત્કાલિકપણે ખતમ કરવાની અપીલ કરે છે. ભારત પેલેસ્ટાઇનની વાજબી માગણીનું સમર્થન કરે છે. અને દ્વી-રાષ્ટ્રની નીતિ દ્વારા સમાધાન માટે વચનબદ્ધ છે.

ભારત ગાઝા પટ્ટી પર થઈ રહેલા રોકેટ હમલાની નિંદા કરે છે. સાથે ઈઝરાયલની બદલાની કાર્યવાહીમાં ઘણા બધા આમ નાગરિક મૃત્યુ પામ્યા છે, જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ છે તે દુ:ખદ છે.  હુમલામાં એક ભારતીય મહિલાનું પણ મૃત્યુ થયું છે. અશ્કલોનમાં. તેના મૃત્યુથી ખૂબ દુ:ખ થયું છે. બંને પક્ષે એકતરફી કાર્યવાહી કરીને યથાસ્થિતિ બદલવાની કોશિશ કરવી જોઈએ નહીં. જેરુસલેમમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવો જોઈએ નહીં. જેરુસલેમ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ભારતથી હજારો લોકો જેરુસલેમ જાય છે. ત્યાંની ગુફામાં સંત બાબા ફરીદ ધ્યાન કરતા. ભારતે એ ગુફાનું સંરક્ષણ કર્યું છે.

જેરુસલેમમાં ધાર્મિક સ્થળો પર ઐતિહાસિક રૂપે ચાલી આવતી યથાસ્થિતિનો આદર કરવો જોઈએ. તેમાં હરમ શરીફ અને ટેમ્પલ માઉન્ટ પણ સામેલ છે. કોઈ પણ પ્રકારનો સંવાદ ન થવાને કારણે બંને પક્ષો વચ્ચે અવિશ્વાસ વધતો જાય છે, આવું નિવેદન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં ભારત સરકારના દૂત દ્વારા આપવામાં આવ્યું છે.

ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષમાં મોદી સરકારે પેલેસ્ટાઇનનો સાથ આપતા મોદી ભક્તોને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો છે. આમ તો એમાં આંચકો લાગવા જેવું કશું હતું નહીં, ભારત આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એટલો મોટો પ્લેયર નથી કે પોતાના ઓપિનિયનથી સ્થિતિઓ બદલી શકે. (આ કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ. તો જ આવતીકાલે આપણે મોટા પ્લેયર બની શકીશું.) બીજું કે આપણે વર્ષોથી પેલેસ્ટાઇનને જ સમર્થન કરતા રહ્યા છીએ. ત્રીજું આ વખતે પણ પેલેસ્ટાઇનને ટેકો આપવો એ જ આપણા હિતમાં હતું. સરકાર આ બધું વિચારે છે, પણ ભક્તો આટલું વિચારી શકતા નથી. તેઓ પોતાના પક્ષપાત અને લોકોનું ધ્યાન ભટકાવવાના ટૂંકા ગોલ સાથે નીકળી પડે છે અને આ રીતે હિટ વિકેટ થઈ જાય છે.

દેશમાં કોરોના મહામારીથી લોકો પીડિત છે અને પૂર્વતૈયારીના અભાવ તથા મિસમેનેજમેન્ટ વિશે લોકો સરકારને દોષ દઈ રહ્યા છે ત્યારે સત્તા પક્ષ અને મોદી ભક્તોએ વાતાવરણને ડાઇવર્ટ કરવાની અનેક પ્રકારે કોશિશ કરી છે. બંગાળમાં કાર્યકરો પર હિંસા થઈ હોય તો તેને હિંદુ નરસંહારનું નામ આપી દે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ પેદા થાય તો ઇઝરાયલના ગુણગાન ગાઈને પેલેસ્ટેનિયનોને ત્રાસવાદી ઘોષિત કરવા માંડે છે. માત્ર એટલા માટે કે ઈઝરાયલ લડવામાં ઉસ્તાદ છે. માત્ર એટલા માટે કે પેલેસ્ટિનિયનોનો ધર્મ પોતાને જે નેરેટીવ સેટ કરવો છે તેમાં મદદકર્તા બને છે.

તેમણે ભારતનો ઈતિહાસ વાંચવો જોઈએ. ભારત પહેલેથી પેલેસ્ટાઇનનું સમર્થક રહ્યું છે. ચાહે તે મહાત્મા ગાંધી હોય કે અટલ બિહારી વાજપેયી. બધા નેતાઓ એકસૂરે પેલેસ્ટાઇનની પડખે ઊભા રહ્યા છે. યહૂદીઓ પર જર્મનીમાં ખૂબ અત્યાચાર થયો તે વાત ૧૦૦ ટકા સાચી, પણ એનો અર્થ એ થોડો છે કે યહૂદીઓને બે હજાર વર્ષ પછી કોઈ જગ્યા પર જઈને વસાવો જ્યાંના તે મૂળ નિવાસી હતા.

ભારતમાં કોઈ વ્યક્તિ વર્ષોથી એક મકાનમાં ભાડે રહેતી હોય તો તે પણ કાયદેસર રીતે ખાલી કરાવી શકાતું નથી. તો ૨૦૦૦ વર્ષ પછી ખ્રિસ્તી દેશો યહૂદીઓને ઇઝરાયલ લઈ જાય અને ત્યાં સેંકડો વર્ષોથી રહેતા પેલેસ્ટેનિયનય મુસ્લિમોને તગેડી મૂકે તે કેટલું વાજબી? તોય ઇઝરાયલને દેશ તરીકે સ્વીકારી લેવાયો છે. હવે તેણે પણ પેલેસ્ટાઇનને એક દેશ તરીકે સ્વીકારી લેવો પડેને.

ઇઝરાયલને માત્ર પોતાના લડાયક ખમીરના આધાર પર જ આપણે સાચું માનવા લાગીએ તો તો થઈ રહ્યું. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં જેની લાઠી એની ભેંસના સિદ્ધાંત પ્રમાણે ચાલવાનું હોય તો પછી યુએન જેવી સંસ્થાને વિખેરી નાખવી જોઈએ. 

આપણે ચીનનો વિરોધ શા માટે કરીએ છીએ? કારણ કે તે જેની લાઠી એની ભેંસના સિદ્ધાંત પર ચાલે છે તો એ જ બેસિસ પર આપણે ઇઝરાયલનું સમર્થન કઈ રીતે કરી શકીએ? મોદી સરકારે યુએનમાં પણ પેલેસ્ટાઇનના સમર્થનમાં મત આપેલો.

આ વખતે પણ મોદી સરકારે પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊભા રહીને યોગ્ય નિર્ણય કર્યો છે. સાઉદી અરબે એ નથી જોયું કે ભારતમાં સંપ્રદાયવાદીઓની સરકાર છે એટલે ઓક્સિજન પ્રોવાઇડ નથી કરવો. એમ આપણે પણ કોણ સાચું, કોણ ખોટું એ જ જોવાનું હોય, કોનો ધર્મ કયો છે એ ન જોવાનું હોય. મોદી સરકારે એવું કર્યું તેની ખુશી છે. 

ભારતે ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ઈઝરાયલને માન્યતા આપેલી. ૧૯૯૨માં પી. વી. નરસિંહરાવના કાળમાં બને દેશો વચ્ચે પૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થપાયા. ભારત આમ તો પહેલેથી પેલેસ્ટાઇનનું સમર્થક રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઇઝરાયલ સાથે પણ આપણાં સંબંધો ઘનિષ્ઠ બની રહ્યા છે.

ઈઝરાયલે ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં આપણને ઇન્ટેલિજન્સ ઇન્પુટ આપેલી. મોદી ૭૦ વર્ષમાં ઈઝરાયલ જનારા પહેલા વડા પ્રધાન રહ્યા. પણ એનો અર્થ એ નથી કે આપણે પેલેસ્ટાઇન સાથેના સંબંધો ખતમ કરી નાખેલા. વડા પ્રધાન મોદીએ ઈઝરાયલની સાથોસાથ પેલેસ્ટાઇન યાત્રા પણ કરેલી. ત્યાં તેમણે નિવેદન આપેલું, ભારત આશા રાખે છે કે પેલેસ્ટાઇન એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બને. એક એવું રાષ્ટ્ર જે શાંતિના માહોલમાં રહે.

૧૯૭૪માં ભારતે પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનને અને ૧૯૯૮માં પેલેસ્ટાઇનને માન્યતા આપેલી. ૨૦૦૩માં અને ૨૦૧૧માં ભારતે યુએનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં મતદાન કરેલું. ત્યાર પછી ૨૦૧૨ હોય કે ૨૦૧૫ ભારત હંમેશા પેલેસ્ટાઇનના ટેકામાં રહ્યું છે. 

મોદી સરકાર બંને દેશો સાથે સંબંધ રાખે છે. યુએનમાં ભારત હંમેશા પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊભું રહે છે. મોદી સરકાર સાત વર્ષથી સત્તામાં છે તોય ૭૦ વર્ષ જૂની આ પરંપરા ફરી નથી. તો પછી મોદી ભક્ત ઇઝરાયલને ટેકો આપવાનો અને પેલેસ્ટાઇનને ત્રાસવાદી તરીકે ભાંડવાનો દંભ શા માટે કરે છે? તેઓ અજ્ઞાાની છે કે પછી ચોક્કસ સમુદાયના લોકોને ધિક્કારવા માગે છે? તેમના અને મોદી સરકારના સ્ટેન્ડ વચ્ચે તફાવત આવી જતા તેઓ ખુલ્લા પડી ગયા છે.

આપણે પાકિસ્તાનને ગાળો દઈ શકીએ, ચીનને આપી શકીએ.  (સમજ્યા વિના તો એમેય ન કરાય. કારણ કે આપણે આજની તારીખેય ચીનથી ઘણી બધી આયાત કરીએ છીએ.) પણ એ સિવાયની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે પોતાનો ઓપિનિયન ઠોકી બેસાડતા પહેલા થોડોક અભ્યાસ કરવો જરૂરી છે. મોસાદના જાસૂસી મિશનો આપણને વાંચવા ગમે છે.

આપણે તેમની શૂરવીરતાના કાયલ છીએ, પણ તેનો અર્થ એવો નથી કે ઈઝરાયલ સાચું છે અને પેલેસ્ટાઇ ખોટું છે. આપણે ન સમજીએ તો કંઈ નહીં, પરંતુ ભારત સરકાર તો આ સત્ય સમજે જ છે અને એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઇનના સમર્થનમાં ઊભી રહે છે.

Gujarat