For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વ અને કોરોનાઃ મહામારીની હાડમારી

Updated: Apr 9th, 2021

Article Content Image

- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા

- દુનિયા આખીમાં ચૂંટણી યોજી દેવામાં આવે તો આ કોરોનાના ત્રાસમાંથી થોડા સમય માટે રાહત મળી શકે છેઃ જે રસી નહીં આપે તેને ઈયુ કાચો માલ નહીં આપે

વેક્સિન માટેની લડાઈ વધી રહી છે. યુરોપિયન યુનિયને જે દેશો તેમને રસીના ડોઝ પર્યાપ્ત માત્રામાં પૂરા ન પાડે અથવા જેમનો પોતાનો વેક્સિનેશન રેટ હાઇ હોય તેવા દેશોને વેક્સિન બનાવવા માટેનો કાચો માલ વેચવાનો પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબાસ્ટિયન કર્ઝે ધમકી આપી છે કે જો તેમને રસીના પૂરતા ડોઝ નહીં અપાય તો તેઓ ફાઇઝરના ૧૦ કરોડ ડોઝ એકસ્ટ્રા ખરીદશે.

એક સમયે લોકો યુરોપિયન યુનિયનની એકતાના સમ ખાતા હતા. આજે તેઓ વેક્સિન માટે એકબીજાના જીવના ઘરાક બની ગયા છે. ઔદ્યોગિક ક્રાંતિનું એપિસેન્ટર હતું યુરોપ અને તે આખી દુનિયાનું શોષણ કરતા હતા. આજે તેઓ કોવિડની રસી માટે બીજા દેશો પર નિર્ભર બની ગયા છે. અહીં દરેકને જવાબ આપવો પડે છે. 

ઓસ્ટ્રિયાએ રસી માટે રશિયા સાથે વાતચીત શરૂ કરી છે. બ્રિટને કહ્યું, સમુદ્ર પારના દેશો પર મદાર ન રાખવો પડે એટલા માટે અમે સ્થાનિક સ્તરે નવી રસી બનાવીશું, જેનું નામ છે નોવાવેક્સ. જર્મનીમાં કોવિડના કેસ વધી રહ્યા છે તો પણ એસ્ટ્રાઝેનેકા રસી ગમે તેને આપવામાં આવી રહી નથી. તેવું કરવાનું કારણ છે આ રસી આપ્યા પછી સર્જાતી બ્લડ ક્લોટિંગની સમસ્યા. રસી લીધા બાદ લોહીનો ગાંઠો બને અને તે વહેતા-વહેતા એકાદી નળીમાં ફસાઈ જાય તો હાર્ટ અટેક આવે.

ચાન્સેલર અન્ગેલા મેર્કલે ૬૦થી ઉપરના લોકોને આ રસી લેવાની છૂટ આપી છે. બાકીનાને મર્યાદિત સંખ્યામાં જ અપાઈ રહી છે. કોરોના ક્યાં-ક્યાં અસર કરે છે! નેધરલેન્ડ્સમાં નવી સરકાર રચવાની મંત્રણા ભાંગી પડી છે. મંત્રણાકર્તાઓમાંના એકને કોરોના થઈ ગયો છે. વળી તેમણે એક ખાનગી નોંધ જાહેરમાં રજૂ કરી દેતા દેકારો બોલી ગયો છે.

દુનિયા આખી કોરોના સામે લડવામાં વ્યસ્ત છે ત્યારે મ્યાંમારની આર્મીએ તક ઝડપી. મ્યાંમારમાં લોકશાહીના આરાધકોથી આ સહન થઈ રહ્યું નથી. સેનાને ખબર છે કે બહારથી કોઈ દેશ અત્યારે હુમલો કરવા આવે એમ નથી. કારણ કે બધાના ઘરે હોળી એટલે કે કોરોના છે. તો પહેલા પોતાની લડાઈ લડે કે પારકી. આવામાં અટૂલા લોકશાહી પ્રેમીઓ આંદોલન કરી રહ્યા છે. પ્રદર્શનકારીએને આપવામાં આવેલા હિંસક જવાબમાં અત્યાર સુધીમાં ૫૦૦ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

ચીન પણ આવું જ મોકાપરસ્ત છે. તેણે હોંગકોંગમાં તો પપેટ સરકાર રચી કાઢી છે. તાઇવાન પર પણ હુમલાની તૈયારી કરી રહ્યું છે. જો ચીન હુમલો કરી દેશે તો આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા કેવી હશે? લાગે છે કે કોવિડની સાથોસાથ એક મોટું શસ્ત્રયુદ્ધ રાહ જોઈ રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ અને શીતયુદ્ધનું કેન્દ્રબિંદુ યુરોપ હતું. ત્રીજા વિશ્વયુદ્ધ અને પ્રથમ શીતયુદ્ધનું કેન્દ્રબિંદુ એશિયા હશે તેમાં શંકા નથી.

બ્રાઝિલમાં જૈર બોલ્સોનારો પણ કોવિડની આડમાં પોતાની સત્તા વધારી રહ્યા છે. તેમણે છ મંત્રીઓને હટાવ્યા, જેમાં રક્ષા મંત્રીની જવાબદારી સંભાળતા જનરલ ફર્નાન્ડો ઝેવેડો પણ હતા. ઝેવેડોને હટાવવા મુદ્દે આર્મીમાં વિરોધ ફાટી નીકળ્યો છે અને ટોચના ત્રણ કમાન્ડરે રાજીનામા ધરી દીધા છે. બોલ્સોનારો વિમાસણમાં પડી ગયા છે. એક તરફ બ્રાઝિલમાં કોરોનાના કેસની સંખ્યાએ એમેઝોનના જંગલની આગની માફક માઝા મૂકી છે ત્યારે બ્રાઝિલની રાજનીતિ ભયાવહ ભવિષ્ય ભણી ઈશારો કરી રહી છે.

કોરોનાના ફેલાવા બાબદે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીનને ક્લીનચિટ આપી દીધી છે. સંશોધકોનું કહેવું છે કે આ વાઇરસ પ્રાણીઓ થકી માણસમાં આવ્યો છે. ચીનની લેબોરેટરીમાંથી તે નીકળ્યો હોવાની વાત ખોટી છે. બ્રિટન, ફ્રાંસ, જર્મની સહિત બે ડઝન દેશોએ કોવિડ-૧૯ને નાથવા માટે વૈશ્વિક સમજૂતિ તૈયાર કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે જે ઘોષણાપત્ર જાહેર કર્યું છે તેનું શીર્ષક છે, ધ બિગેસ્ટ ચેલેન્જ ટુ ધ ગ્લોબલ કોમ્યુનિટી સિન્સ નાઇન્ટીન ફોર્ટીઝ.

આફ્રિકન યુનિયને સભ્ય દેશો માટે જ્હોન્સન એન્ડ જ્હોનસન સાથે રસીના ૨૨ કરોડ ડોઝના કરાર કર્યા છે. અમેરિકામાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે કહ્યું કે, કયામત ઝળુંબી રહી છે. જો બાઇડને અગાઉનો ટાર્ગેટ ડબલ કરીને પહેલી મે સુધીમાં ૨૦ કરોડ લોકોને રસી આપવાનું આશ્વાસન આપ્યું છે. 

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ હાલ કોવિડની બીજી લહેર ફાટી નીકળી છે. ભારતમાં જોકે જ્યાં ચૂંટણી નથી તેવા રાજ્યોમાં જ કોરોના ફેલાઈ રહ્યો છે. કોરોનાને રોકવાનો એક શ્રેષ્ઠ આઇડિયા છે. આખા વિશ્વમાં ચૂંટણી ઘોષિત કરી દો અને દુનિયાના તમામ દેશોના તમામ શહેરોમાં વારા-ફરતી મોદીજીની સભા યોજો. જો એવું કરવામાં આવશે તો બધે જ કોરોનાના કેસ નિયંત્રણમાં આવી જશે. આ પ્રયોગ ભારતમાં તો સફળ થઈ ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સંશોધકો વિશેષ રીસર્ચ કરીને આના પર વધુ પ્રકાશ પાડી શકે છે.

વિશ્વમાં હાથ મિલાવવાની પરંપરા હતી તે કોરોનાના કારણે ખતમ થઈ રહી છે. હસ્તધુનનનો ઉલ્લેખ મિસર અને મેસોપોટામિયાના ઈતિહાસમાં પણ છે. હાથ મિલાવવાના ઓપ્શનમાં ઘણા લોકો કાંડા ભટકાડે છે, ઘણા કોણી અથડાવે છે, ઘણા નમસ્તે કરે છે, ઘણા પગ અથડાવે છે બોલો.

આ મહામારી દુનિયાને થકવી રહી છે. તે ખતમ થાય તો જાણે કોઈ મહારાક્ષસના ભરડામાંથી છૂટયાનો હાશકારો થશે. ઇચ્છીએ કે આ મહામારીની હાડમારીમાંથી આપણે જલ્દી છૂટીએ.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલન પછી બ્રિટનમાં એક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. તેનો રીપોર્ટ આવી ગયો છે. તેણે નિષ્કર્ષ કાઢ્યો છે કે અસમાનતા ઓળખવા માટે સામાજિક વર્ગ અને પારિવારિક માળખાની તુલનાએ જાતિ ઓછી મહત્ત્વની છે. રીપોર્ટ કહે છે કે અશ્વેતોના બાળકો વાઇટ બાળકોની તુલનાએ શાળામાં વધારે સારું પરફોર્મ કરે છે.

- નાગરિક અધિકાર જૂથોએ જ્યોર્જિયામાં મતાધિકાર મામલે કેસ કર્યો છે. તેમનો આરોપ છે કે બ્લેક લોકોના મતને દબાવવામાં આવી રહ્યા છે. 

- ચીન અને ઇરાને ૨૫ વર્ષના કરાર કર્યા છે. તેમાં ઊર્જા, પરમાણુ શક્તિ અને શસ્ત્ર વિકાસ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. કરારનો સૌથી મોટો મુદ્દો છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ. ઈરાન ચીનની મહત્ત્વાકાંક્ષી યોજનામાં જોડાઈ ચૂક્યું છે. 

- લિબિયાએ યુરોપ જઈ રહેલા ૧,૦૦૦ શરણાર્થીઓને સમુદ્રમાં આંતર્યા હતા. આ રીતે તે આ વર્ષે ૫,૦૦૦ નિરાશ્રિતોને પાછા લઈ ગયું છે. 

- મોઝામ્બિકમાં પલમા શહેરને નિયંત્રણમાં લેવા જેહાદીઓએ હુમલો કર્યો હતો. જોકે ત્યાંની સેનાએ તેમને ફાવવા દીધા નહોતા. પલમા સાત સમુંદર પાર ગેસ પ્રોજેક્ટ્સ પર કામ કરતી કંપનીઓનું હબ છે. ત્રાસવાદી હુમલામાં અનેક લોકોના મોત થયાં હતાં.

Gujarat