મેઘરજની જીવાદોરી સમાન વૈડી ડેમનું તળીયુ દેખાયું
- ડેમોમાં ચાલુ વર્ષે નવા નીરની આવક ન થતાં ખેડૂતોમાં ચિંતા
- ડેમમાં માત્ર 2.13 એમસીએમ પાણીનો જથ્થો : તાલુકામાં માત્ર 8 ઈંચ જેટલો વરસાદ પડતા ખેતીના પાક ઉપર તોળાતુ સંકટ
મોડાસા,તા.1 ઓગસ્ટ, 2020,
શનિવાર
ચાલુ સાલે જુલાઈ માસ
પુરો થઈ ગયો અને ચોમાસુ પણ અડધુ થયું
કહેવાય ત્યારે મેઘરજ તાલુકામાં સામાન્ય વરસાદ ને લઈ તાલુકાની જીવાદોરી સમાન વૈડી
ડેમમાં પાણીનો જથ્થો નહિવત રહેતા આ વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે
તેવા એંધાણ લાગી રહયા છે.હાલ વૈડી ડેમમાં માત્ર ૨.૧૩ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ
છે.જયારે ચાલુ સાલે ડેમમાં નવા નીરની આવક હજુ સુધી નોંધાઈ નથી.અને મેઘરજ પંથકમાં
અત્યાર સુધી ૮ ઈંચ જેટલો વરસાદ પડયો છે.ત્યારે મેઘરજ તાલુકાના જીવાદોરી સમાન વૈડી
ડેમમાં માત્ર બે મીટર પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.જેથી આ પંથકના ખેડૂતો માં
દુષ્કાળના ભણકારા વાગી રહયા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે શરૃઆતમાં સારો વરસાદ
વરસ્યો હતો.ત્યાર બાદ વરસાદ લંબાતા ખેતી મૂરજાઈ રહી છે.જયારે મેઘરજ તાલુકામાં
ચોમાસુ સીઝનનો વરસાદ માત્ર આઠ ઈંચ જેટલો થયો હોવાથી તાલુકાની જીવાદોરી સમાન ગણાતા
વૈડી ડેમમાં હજુ સુધી નવા નીર આવ્યા નથી.જેથી વૈડી ડેમમાં ગયા વર્ષનું પાણી હાલ
૧૯૩.૭૧ ના લેવલે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૧૯૯.૨૦
એફઆરએલ છે.પરંતુ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી તાલુકામાં શિયાળામાં જ દુષ્કાળ
જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે.તાલુકામાં નાના-મોટા ચેકડેમો તેમજ તળાવો
અને વાત્રક નદી કોરી ધાકોર છે.વરસાદ
ખેંચાતા ખેડૂતોની ખેતી મગફળી,મકાઈ
તેમજ સોયાબીન જેવા પાક સુકાઈ જવાના આરે છે.તેવામાં નદી અને કુવામાં પાણી ન હોવાથી
ખેડૂતોએ ખેતી ભગવાન ભરોસે મૂકી વરસાદની રાહ જોઈ બેઠા છે.
મેઘરજ પંથકમાં ચાલુ
વર્ષે નહિવત વરસાદ પડતાં જીવાદોરી સમાન વૈડી ડેમમાં નવા નીરની આવક થઈ ન હતી.હાલ
વૈડી ડેમમાં માત્ર બે મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.આમ મેઘરજ તાલુકામાં માત્ર આઠ
ઈંચ જેટલો વરસાદ પડતાં ખેતી ઉપર મોટું સંકટ તોળાઈ રહયું છે.
જયારે વૈડી ડેમમાં પણ
ચોમાસુ અડધુ થવા આવ્યું છતાં પાણી ની આવક ન થતાં આ પંથકના ખેડૂતોમાં ચિંતા પ્રસરી
છે.અને આ વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવા એંધાણ જાણકારો લગાવી
રહયા છે.