અરવલ્લીના માલપુરમાં LCB અને તસ્કરો વચ્ચે ગોળીબાર, એક આરોપીના પગમાં ગોળી વાગી, PI સહિત 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aravalli Police Encounter: અરવલ્લી જિલ્લાના માલપુર નજીક આવેલા મોરડુંગરી પાસે ગેરકાયદે પોશડોડાની હેરાફેરી કરતી કથિત બિશ્નોઈ ગેંગના સાગરીતો અને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) વચ્ચે સામસામે ગોળીબારની ઘટના સામે આવી છે. પોલીસે આત્મરક્ષણમાં કરેલા ફાયરિંગમાં એક આરોપીના પગમાં ગોળી વાગતાં તેને ઝડપી લેવાયો છે. આ દરમિયાન LCBના PI સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
શંકાસ્પદ ફોર્ચ્યુનરે પોલીસ ટીમ પર કર્યું ફાયરિંગ
મળતી માહિતી અનુસાર, અરવલ્લી LCB ટીમને બાતમી મળી હતી કે એક કારમાં પોશડોડાનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બીજી ઓક્ટોબરની વહેલી સવારે માલપુરના મોરડુંગરી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર આવતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કારચાલકે વાહન ઊભું રાખવાને બદલે પોલીસ ટીમ પર સીધું જ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
અચાનક થયેલા હુમલા સામે આત્મરક્ષણ અર્થે LCB PI એમ.એચ. ઝાલાએ ત્રણ રાઉન્ડ વળતું ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે તેનો અન્ય એક સાથીદાર અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા આરોપી અને કારની તપાસ કરતા તેમાંથી બે પિસ્તોલ (માઉઝર) તથા મોટા પ્રમાણમાં પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ગેરકાયદે નેટવર્ક પાછળ બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
આરોપીઓને કાબૂમાં લેવાની મથામણ દરમિયાન LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી અને ASI કલ્પેશસિંહ ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને વધુ તપાસ હાથ ધરી છે.




