Gujarat

સુરક્ષા કવચ : અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં 31332 બાળકોનું રસીકરણ

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
સુરક્ષા કવચ : અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં 31332 બાળકોનું રસીકરણ

મોડાસા,તા. 4

અરવલ્લી જિલ્લામાં ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૬૪ હજારથી વધુ કિશોર-કિશોરીઓને કોવીડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ પૂરો પાડવાનું અભિયાન હાથ ધરાયુંછે. ત્યારે આ ઝુંબેશના બીજા દિવસે જિલ્લામાં ૭૧૮૦ કિશોર અને ૬૪૬૫ કિશોરીઓને રસીનો જરૂરી ડોઝ પૂરો પાડી સુરક્ષિત કરાયા હતા.જોકે જિલ્લામાં ધીમે પગલે વકરી રહેલા કોરોના સંક્રમણને નાથવા રાજય સરકાર કડક પગલા ભરે તેવી માંગ પણ વર્તાઈ હતી.

રાજયભરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ,રાજકીય યાત્રાઓ,શક્તિ પ્રદર્શનો અને ઉજવણીઓ બાદ કોરોનાનું સંક્રમણ જેટ ઝડપે વકરી રહયું છે. શાળાઓમાં ઓફલાઈન શિક્ષણના નિર્ણય બાદ વિદ્યાર્થીઓમાં વકરેલા કોરોનાને લઈ હવે શાળાઓ કે તેના વર્ગો બંધ કરવાની નોબત આવી રહી છે. ત્યારે રાજય સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોર-કિશોરીઓને કોવીડ-૧૯ રસીના પ્રથમ ડોઝ પૂરો પાડવાનો નિર્ણય કરાયો હતો. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તીવેટીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૩ જાન્યુઆરીએથી રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીની રાહબરી હેઠળ યોજાયેલ આ ઝુંબેશમાં વિભાગની ૨૫૧ ટીમો દ્વારા જુદીજુદી શાળાઓમાં રસીકરણ હાથ ધરાયું હતું.જેમાં પ્રથમ દિવસે ૧૭૪૯૨ કિશોર-કિશોરીઓને કોવેકસિન રસીનો પ્રથમ ડોઝ પૂરો પડાયો હતો.

જિલ્લાના એડીએચઓ અને નોડેલ ઓફીસર ર્ડા.કૌશલ પટેલના જણાવ્યા મુજબ આ ઝુંબેશ બીજા દિવસે ૭૧૮૦ કિશોર અને ૬૪૬૫ કિશોરીઓ મળી કુલ ૧૩૩૯૦ કિશોર-કિશોરીઓને ૨૧૮ ટીમો દ્વારા રસીનો પ્રથમ ડોઝ ૧૭૦ શાળાઓમાં પૂરો પડાયો હતો. જિલ્લામાં ૭મી જાન્યુઆરી સુધી હાથ ધરવામાં આવનાર આ રસી ઝુંબેશમાં ૯ થી ૧૨ ધોરણમાં ભણતાં ૬૦૧૩૫ વિદ્યાર્થીઓ અને  આઈટીઆઈના તાલીમાર્થીઓ સહિત અભ્યાસ નહી કરતા કુલ મળી ૬૪ હજારથી વધુ કિશોર-કિશોરીઓને રસીથી સુરક્ષિત કરવામાં આવનાર છે.