Updated: Jul 27th, 2022
- શું મામલતદાર આવો આદેશ આપી શકે? શું મામલતદારના ટ્વિટર ફોલોઅર વધવાથી વિકાસ વધવાનો છે? આ પ્રકારે ટ્વિટર ફોલોઅર્સ વધારીને મામલતદાર શું સાબિત કરવા માગે છે?
અરવલ્લી, તા. 27 જુલાઈ 2022, બુધવાર
એક તરફ બોટાદના લઠ્ઠાકાંડે 41 લોકોને ભરખી લીધા છે અને બીજા 117 લોકો હજુ સારવાર અંતર્ગત છે. ઝેરી કેમિકલના કારણે જે લઠ્ઠાકાંડ થયો તેના લીધે ધંધુકા અને બરવાળા પંથકના 17 ગામડાઓમાં મરસિયા ગવાઈ રહ્યા છે અને રોકકળ ચાલી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મામલતદારને સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવાની ચિંતા સતાવી રહી છે.
માલપુર મામલતદારની આ પ્રકારની જોહુકમીના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે કે, શું મામલતદાર આવો આદેશ આપી શકે? શું મામલતદારના ટ્વિટર ફોલોઅર વધવાથી વિકાસ વધવાનો છે? આ પ્રકારે ટ્વિટર ફોલોઅર્સ વધારીને મામલતદાર શું સાબિત કરવા માગે છે? આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અનેક સવાલો થઈ રહ્યા છે અને મહેસૂલ વિભાગે આ મામલે રિપોર્ટની માગણી કરી છે.
સ્ટાફની અછતના કારણે રેવન્યુ તલાટીઓ અત્યાર સુધી એક સાથે 5-5 ગામની જવાબદારીઓ સંભાળતા હતા ત્યારે શું હવે તેમણે મામલતદારના ટ્વિટર ફોલોઅર્સ વધારવાની જવાબદારી પણ વેંઢારવી પડશે તે એક સવાલ છે.
શું લખ્યું છે તે પત્રમાં
માલપુરના મામલતદાર ડી.વી.મદાતે કાયદેસર પરિપત્ર બહાર પાડીને અત્રેની કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી બી.એલ.ચૌધરીને માલપુર મામલતદાર '@MalpurMamlatdar' ટ્વિટર એકાઉન્ટ પર દરરોજના 10 નવા ફોલોઅર્સ વધારવાનો આદેશ આપ્યો છે. આટલેથી ન અટકતાં પત્રમાં એમ પણ લખ્યું છે કે, જે તારીખે જેટલા અનફોલો કરે તેના બીજા દિવસે 10 ઉપરાંત અનફોલો કરનારાની સંખ્યા ઉમેરીને જે આંકડો થાય તેટલાં ફોલોઅર્સ વધારવાનો લક્ષ્યાંક પાર પાડવો. સાથે જ મામલતદારને રોજેરોજની વિગતોથી માહિતગાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
અરવલ્લીના કલેક્ટરે કર્યો બચાવ
અરવલ્લીના કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ આ મામલે સરકારની યોજનાઓનો વધુને વધુ લોકો સુધી પ્રસાર કરી શકાય તે હેતુથી આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનો બચાવ કર્યો હતો. ઉપરાંત તેમણે આ અંગે મૌખિક આદેશ કરી શકાય પરંતુ લેખિતમાં ન આપી શકાય તેમ પણ જણાવ્યું હતું. સાથે જ આ મામલે કોઈ પણ પ્રકારના પગલા લેવાની જરૂર નથી લાગતી તેવો મત દર્શાવ્યો હતો.
નરેન્દ્રકુમાર મીનાના કહેવા પ્રમાણે માલપુરમાં ફોલોઅર્સની સંખ્યા ઓછી છે તથા પંચાયતમાં સરપંચ, આશાવર્કર કે અન્ય કોઈ લોકો જોડાય તો તેઓ સરકારી યોજનાઓથી જલ્દી વાકેફ થઈ શકે તેવા હેતુથી આદેશ અપાયો હતો.
માલપુર મામલતદારનું નિવેદન
માલપુરના મામલતદાર ડી.વી.મદાતે પણ ગ્રામ પંચાયત વિસ્તારના દરેક ઘર સુધી સરકારના નવા પ્રજાલક્ષી પરિપત્રો અને યોજનાઓની જાણકારી પહોંચે તે હેતુથી રેવન્યુ તલાટીને ઉપરોક્ત આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
જોકે એક રીતે આ પ્રકારના આદેશ સરકારી વિભાગોમાં પણ સોશિયલ મીડિયાનું પ્રભુત્વ કેટલું વધી રહ્યું છે તે તરફ દિશાનિર્દેશ કરે છે.