Gujarat

નદીમાં ટ્રેકટર ખાબકતા 200 મણ મગફળી પાણીમાં ગરકાવ

By GS Team
23 Nov 20211 min read
This article was originally published on 23 Nov 2021
નદીમાં ટ્રેકટર ખાબકતા 200 મણ મગફળી પાણીમાં ગરકાવ

વડાલી તા. 22

વડાલી તાલુકાના મોરડ ગામ નજીકથી પસાર થતી નદીમાં સોમવારે સવારે મગફળી ભરેલું ટ્રેક્ટર ટ્રોલી સાથે ખાબકતા ૨૦૦ મણ મગફળી નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.જેથી મોં માં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયોે હતો.

મોરડ ગામના વિરસંગભાઈ કોદરભાઈ પટેલે પોતાની ખેતીલાયક જમીનમાં ચાલુ સાલે મગફળીનું મોટાપાયે વાવેતર કર્યુ હતું.જેની તાજેતરમાં લણણી કરવામાં આવતા તેને ટ્રોલીમાં ભરી વડાલી તોલવા ટ્રેક્ટર લઈ સોમવારે ઘરેથી તેઓ નીકળ્યા હતા.જેઓ ગામના પાદરેથી પસાર થતી નદીમાંથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર ટોલી સાથે ૧૫ ફુટ ઉડી નદીમાં ખાબકી પલ્ટી મારી ગયુ હતું.જેથી ટ્રોલીમાં ભરેલા ૨૦૦ મણ મગફળી નદીના પાણીમાં ગરકાવ થઈ જતા ખેડુતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

જ્યારે અકસ્માતમાં ટ્રેક્ટરનો કચ્ચરઘાણ નીકળી ગયુ હતુ.જ્યારે ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રેકટર નદીમાં ખાબકયું હોવાના સમાચાર ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.જે બાદ ક્રેન દ્વારા ટ્રેકટરને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યુ હતુ.તેમજ નદીના પાણીમાં ગરકાવ થયેલી મગફળીઓ કાઢવા મથામણ કરવામાં આવી હતી પરંતુ તેમાં જાજી સફળતા ન મળતા મોં માં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુત પરિવારપર આભ તૂટી પડયું હતુ.