સિવિલની માંગ સાથે ધરણા યોજતા કોંગ્રેસના 40 કાર્યકરોની અટકાયત
- ધરણા યોજવા માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી
- મોડાસા કલેકટર કચેરી સામે કોંગ્રેસે ધરણા યોજીને સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો
મોડાસા,તા.9 જુલાઈ, 2020,
ગુરૂવાર
અરવલ્લી જિલ્લામાં સિવીલ
હોસ્પિટલની માંગણી સાથે આજે ગુરૂવારે મોડાસા ખાતે આવેલા કલેકટર કચેરી સામે
કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજયો હતો.જેમાં જિલ્લાના ધારાસભ્ય
સહિત જિલ્લા પ્રમુખ અને કાર્યકરોએ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લામાં સિવીલ
હોસ્પિટલ કયારેની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.ધરણા પ્રદર્શનની મંજૂરી ન
હોવાથી પોલીસે ૪૦ કાર્યકરોની અટકાયત કરી હતી. અરવલ્લી જિલ્લામાં સરકારી કોઈ
હોસ્પિટલ નથી.પરંતુ થોડા સમય પહેલા મોડાસામાં સિવીલ હોસ્પિટલની જગ્યા ફાળવવામાં
આવી હતી.પરંતુ કયા કારણોસર સિવીલ હોસ્પિટલનું કામ ખોરંભે ચડયું છે.જેથી જિલ્લા
કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહિત ૩ ધારાસભ્યોએ ૨૬ જુનના રોજ જિલ્લા
કલેકટર ને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
કોવિડ-૧૯ ની મહામારીમાં
લોકોના જીવની સલામતી અને જિલ્લામાં અન્ય રોગીષ્ટ અને અકસ્માત ટાણે હોસ્પિટલની
તત્કાલ જરૂરીયાત પડે તે સ્વભાવિક છે.ત્યારે ઝડપથી સેવા મળી રહે તે હેતુ થી સિવીલ
હોસ્પિટલની માંગણી કરેલ છે.છતાં આજદીન સુધી કોઈ પ્રોગ્રેસ દેખાતો નથી.જેથી જિલ્લા
કોંગ્રેસ સમિતિ એ અલ્ટીમેટમ આપ્યું હતુ. જો ૧૦ દિવસમાં સિવીલ હોસ્પિટલ ના નિમાર્ણ
માટે સંતોષકારક જવાબ નહિ મળે તો પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવાની ફરજ પડશે તેવી
ચીમકી ઉચ્ચારી જિલ્લા કલેકટર સાથે ચર્ચા વિચારણા કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ
પ્રત્યુતર ન મળતા આખરે જિલ્લા કોગ્રેસના કાર્યકરોએ આજે ગુરૂવારના રોજ જિલ્લા
કલેકટર કચેરી સામે સિવીલ હોસ્પિટલ કયારે ની માંગ સાથે પ્રતિક ધરણાનો કાર્યક્રમ
યોજયો હતો.જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર,માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત
કાર્યકરો જોડાયા હતા. સરકાર વિરોધી
સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.બેનરો હાથમાં લઈ જોરશોરથી હલ્લાબોલ કરી
જિલ્લામાં સિવીલ હોસ્પિટલ કયારેના નારાઓ લગાવ્યા હતા.આમ આ પ્રતિક ધરણા પ્રદર્શનની
મંજૂરી ના હોવાથી મોડાસા પોલીસે કોંગ્રેસ પ્રમુખ,બાયડના
ધારાસભ્ય સહિત ૪૦ કાર્યકરોની અટકાયત કરી હતી.