મોડાસામાં બે સ્થળેથી પાંચ બાળકો રહસ્યમય રીતે મળતા તર્કવિતર્ક
- હિન્દી અને રાજસ્થાનની ભાષા બોલતા બાળકો
- અજાણ્યા વાહન ચાલકો બાળકોને મૂકી ગયાનો સ્થાનિકોનો આરોપ હિંમતનગરના ચાઇલ્ડ હોમ ખાતે મોકલવવાની તજવીજ
મોડાસા,તા.19 જુલાઈ, 2020,
રવિવાર
મોડાસાની જુદીજુદી બે
જગ્યાએથી રહસ્યમય રીતે પાંચ બાળકો મળી આવ્યાની ઘટના સામે આવી છે. ત્યારે આ બાળકોને
હાલ પરખ સંસ્થાના ચાઈલ્ડ હેલ્પ લાઈન સેન્ટર મોડાસા ખાતે રાખવામાં આવ્યા બાદ આ
બાળકોને હિંમતનગર ચાઈલ્ડ હોમ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ત્યારે
રહસ્યમય રીતે મળી આવેલા આ બાળકોની યોગ્ય દિશામાં તપાસ થાય તો જ રહસ્ય બહાર આવી શકે તેમ છે.
મોડાસામાં કોઈ અજાણ્યો
વાહન ચાલક પાંચ બાળકોને ઉતારી ગયો હતો.ત્યારે બાજકોટ ચાર રસ્તા અને હજીરા વિસ્તાર
એમ બે જુદીજુદી જગ્યાએથી ગત રાત્રી દરમ્યાન રહસ્યમય રીતે આ પાંચ બાળકો મળી આવ્યા
હતા. બાજકોટ ચાર રસ્તા ઉપર ફરતા આ બાળકો અંગે નજીકના એક
ચાની કીટલીવાળા દ્વારા મોડાસાની પરખ સંસ્થાના ચાઈલ્ડ હેલ્પ લાઈન સેન્ટરને જાણ
કરવામાં આવી હતી.ત્યારે આ ચાઈલ્ડ હેલ્પલાઈન સેનટરના કર્મચારીઓ દ્વારા આ પાંચ
બાળકોને ચાઈલ્ડ સેન્ટર ખાતે લઈ જઈ તેમની સાર સંભાળ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ
પોલીસ અને હિંમતનગર ચાઈલ્ડ હોમ ખાતે જાણ કરવામાં આવી હતી. ત્યારે રહસ્મય રીતે મળી
આવેલા આ બાળકો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું હતું.બાળકો હિન્દી અને રાજસ્થાનની
એમ જુદીજુદી ભાષાઓ બોલે છે.પરખ સંસ્થા દ્વારા બાળકોને કપડા,ચા-નાસ્તો,ભોજન આપવામાં
આવ્યું છે.ત્યારે બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ઘટના સ્થળે પોલીસ મોડી
પહોંચતા લોકોમાં રોષ
મોડાસા બાયપાસ રોડ પર
દેવરાજધામ નજીક શનિવારની મોડી રાત્રીએ બિનવારસી હાલતમાં એક સગીર સાથે ૪ બાળકો
નિરાધાર હાલતમાં જોવા મળતા આજુબાજુમાં રહેતા લોકો બાળકોની મદદે પહોંચ્યા હતા.આ
અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે ઝડપથી ન પહોંચતા લોકોમાં પોલીસ તંત્રની
બેદરકારી ભરી કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
પાંચ નિરાધાર બાળકોને
કોણ મૂકી ગયું ?
મોડાસા શહેરમાંથી
નિઃસહાય હાલતમાં મળી આવેલા બાળકોને તસ્કરી કર્યા પછી તરછોડાયા કે પછી બાળકોને
ભિક્ષાવૃત્તિ માટે લાવવામાં આવ્યા હતા. સહિતના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.