ખંભાત, ઉમરેઠમાં કોરોનાના વધુ બે કેસ : જિલ્લામાં કુલ આંક 28 થયો
- ખંભાતમાં 18, હાડગુડમાં 3, ઉમરેઠમાં 2, આણંદમાં 1, નવાખલમાં 1
- આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા હાડગુડના બે અને નવાખલ ગામની યુવતીની તબિયત સુધરતા રજા અપાઈ
આણંદ, તા.17 એપ્રિલ, 2020, શુક્રવાર
કોરોનાના કહેર વચ્ચે જિલ્લાના ખંભાત તથા ઉમરેઠ ખાતેથી આજે વધુ બે કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૨૫ ઉપર પહોંચી છે ત્યારે આણંદ જિલ્લાવાસીઓ માટે આજે સુખદ સમાચાર સાંપડયા છે. આણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી ૩ દર્દીઓની તબિયત સારી થતા આજે સવારના સુમારે આ ૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાડગુડના ૨ પુરૃષ અને નવાખલ ગામની ૧ મહિલા સહિત ૩ દર્દીઓને આજે તેઓના ઘર તરફ રવાના કરાયા હતા.
આણંદ જિલ્લાના ખંભાત શહેરના અલીંગ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાએ કહેર મચાવ્યો છે. એક જ પરિવારના ૭ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગઈકાલે વધુ ૫ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે આ સંખ્યામાં વધુ ૧નો ઉમેરો થતા અલીંગ વિસ્તારના દાંતારવાડામાં રહેતા એક ૩૫ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ખંભાતમાં કુલ દર્દીઓનો આંક ૧૮ ઉપર પહોંચ્યો છે. ૩૫ વર્ષીય આ યુવક હંસાબેન રાણાના સંપર્કમાં આવતા કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓને ખંભાતની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ ગઈકાલે જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં કોરોના વાયરસે પગપેસારો કરતા કંસારા બજાર નજીકના વ્હોરવાડમાંથી ૪૫ વર્ષીય એક યુવક કોરોનાથી સંક્રમિત થયો હોવાનું ખુલવા પામ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આ યુવકના પરિવાર તેમજ ક્લોઝ સંપર્કમાં આવનાર વ્યક્તિઓના સેમ્પલ લઈ તબીબી પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા.
જેમાં અગાઉના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવનાર વ્હોરવાડના એક ૪૫ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ઉમરેઠમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. તેઓને પણ નડીયાદની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૨૫ થવા પામી છે. બીજી તરફ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર પણ સામે આવ્યા છે. જેમાં અગાઉ આણંદ તાલુકાના હાડગુડ ગામના ૨ પુરૃષ તેમજ આંકલાવ તાલુકાના નવાખલ ગામની ૧ મહિલા કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણેય દર્દીઓને આઈસોલેટ કરી આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દરમ્યાન આજે આ ત્રણ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા આ ત્રણેય દર્દીઓને જનરલ હોસ્પિટલ ખાતેથી રજા આપી ૧૦૮ મોબાઈલ વાન દ્વારા ઘરે મોકલવામાં આવ્યા હતા. ત્રણેય દર્દીઓનું સ્વાસ્થ્ય સુધરતા જિલ્લા વહીવટી તંત્ર સહિત હોસ્પિટલના કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.