આણંદ,તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
આણંદ શહેરમાં નગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવતા કેટલાક ગોપાલકોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
પાલિકાની ટીમ દ્વારા ગુરૂવારના રોજ પણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાંચ જેટલી રખડતી ગાયોને પાંજરે પુરવામાં આવી હતી. જો કે કેટલાક અસંતુષ્ટ અને માથાભારે ગોપાલકો દ્વારા પાલિકાની ટીમના કર્મચારીઓને છુપી ધમકી આપવામાં આવી રહી હોવાના અહેવાલ સાંપડયા છે.
વધુમાં મળતી વિગતો આણંદ શહેરમાં વ્યાપેલ રખડતા પશુઓની સમસ્યા બાબતે હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશો કરાયા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને છેલ્લા એક સપ્તાહથી આણંદ શહેરમાં રખડતી ગાયો અંગે તંત્રએ કમર કસી છે. છેલ્લા એક સપ્તાહથી પાલિકાની ટીમ દ્વારા શરૂ કરાયેલ રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરીમાં બુધવારના રોજ શહેરના મંગળપુરા, પાલિકા ક્વાટર્સ તથા ગણેશ ચોકડી વિસ્તારમાંથી પાંચ જેટલી રખડતી ગાયોને પાંજરે પુરી નગરપાલિકા ખાતેના ડબ્બામાં મોકલી આપી જે-તે માલિકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જો કે નગરપાલિકાના કર્મચારી મિલનભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાતા એક તરફ જાગૃતોમાં આનંદની લાગણી વ્યાપી છે તો બીજી તરફ કેટલાક માથાભારે ગોપાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. જેને લઈ પાલિકાની ટીમના કર્મચારીઓને છુપી ધમકી પણ આપવામાં આવી રહી હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. આ અંગે પોલીસ દ્વારા પણ નરમી દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરાયો છે.


