આણંદમાં વેપારીઓને હેલ્થકાર્ડ આપવાનું કામ શરૂ થતા લાંબી કતારો લાગી
- 31 મે સુધી લૉકડાઉન લંબાવાયું છે ત્યારે
- અર્બન સેન્ટરો ખાતે ૯થી ૧૨માં કામગીરી શરૃ કરાઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડયા
આણંદ, તા.18 મે 2020, સોમવાર
કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં આગામી તા.૩૧ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનના ચોથા તબક્કામાં અર્થતંત્રને ગતિ મળે તે હેતુથી કેટલાક વેપાર-ધંધાને છુટ આપવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે આજે સવારના સુમારે આરોગ્ય તંત્ર તેમજ પાલિકા તંત્રના સંયુક્ત પ્રયાસથી શહેરના વિવિધ વેપારીઓને હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જેને લઈ સવારના સુમારે વિવિધ સેન્ટરો ખાતે વેપારીઓ હેલ્થકાર્ડ લેવા ઉમટી પડયા હતા અને લાંબી કતારો જોવા મળી હતી. જો કે કેટલાક અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વેપારીઓનો જમાવડો થતા સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડયા હોવાનું પણ જોવા મળ્યું હતું.
વધુમાં મળતી વિગતો મુજબ તા.૧૭ મેના રોજ લોકડાઉન-૩ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા આગામી તા.૩૧ મે સુધી લોકડાઉન-૪ની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ લોકડાઉન-૪માં સરકાર દ્વારા કેટલાક વેપાર-ધંધાને છુટ પણ અપાઈ છે. જે અંતર્ગત આણંદ શહેરમાં છુટ અપાયેલ વેપાર-ધંધાના વેપારીઓ માટે આજે હેલ્થકાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આણંદ શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે સવારના ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાક દરમ્યાન વેપારીઓ માટે હેલ્થકાર્ડનું વિતરણ કરવાની શરૃઆત કરાતા વિવિધ સેન્ટરો ખાતે વેપારીઓની લાંબી કતારો જોવા મળી હતી. જો કે ધોમધખતા તાપમાં કતારમાં ઉભા રહેલ વેપારીઓ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતુ હોવાનું પણ જોવા મળ્યું હતું. તો બીજી તરફ દુકાનો ખોલ્યા બાદ અથવા તો માર્કેટમાં વેપાર-ધંધો કરતી વખતે જે-તે સ્થળે વેપારીઓના આરોગ્યની ચકાસણી કરી ત્યાં જ હેલ્થકાર્ડ ઈસ્યુ કરવામાં આવે તો વેપારીઓને હેરાનગતિ ભોગવવી ન પડે તેવો મત કેટલાક વેપારીઓએ વ્યક્ત કર્યો છે. સાથે સાથે આ હેલ્થકાર્ડની મુદ્દત સાત દિવસની હોઈ સપ્તાહ બાદ ફરીથી આ પળોજણમાં વેપારીઓને સપડાવું પડશે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ વેપારીઓ દ્વારા કરાઈ છે.