બાકરોલની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે રૂ. 2.32 લાખની મતા પડાવી લીધી
- સોનાની ચેઇન, સોનાનો સેટ, રોકડા ૬૬ હજાર લઈ લીધા બાદ હાથ ઊંચા કરી દેતા પોલીસ ફરિયાદ
આણંદ, તા.17 જૂન 2020, બુધવાર
આણંદ પાસેના બાકરોલની એક કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને બાકરોલના યુવકે પ્રેમજાળમાં ફસાવી તેણી પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૃા.૨.૩૨ લાખ ઉપરાંતની મત્તા લઈ સોનાની વસ્તુઓ તેમજ રોકડ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના બનાવે વિદ્યાનગર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાકરોલના યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર આવેલ ભગતસિંહ સ્ટેચ્યુ નજીકની સત્યમ કોલોની ખાતે રહેતી એક યુવતી બાકરોલની એક કોલેજ ખાતે અભ્યાસ કરે છે. થોડા સમય પૂર્વે આણંદની આ યુવતીને બાકરોલ ગામના સાહિલ ઉર્ફે સેમ ઉર્ફે તાબીઝ અશરફખાન ઘોરી સાથે મિત્રતા બંધાઈ હતી.
બાદમાં તેઓની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જાન્યુઆરી ૨૦૧૯માં સાહિલ ઘોરીએ યુવતીને વિદ્યાનગર ખાતે નાના બજારમાં આવેલ આમીન ટ્રાવેલ્સની ઓફિસે બેસતો હોવાનું જણાવ્યું હતું. જેથી યુવતી યુવકને અવાર-નવાર મળવા વિદ્યાનગર જતી હતી. બાદમાં યુવકે પોતાનુ લેપટોપ બગડી ગયેલ હોઈ રીપેરીંગ માટે નાણાંની જરૃરીયાત હોઈ યુવતી પાસે નાણાંની માંગણી કરતા યુવતીએ સોનાની બુટ્ટી વેચવા માટે આપી હતી. ત્યારબાદ ધીમે-ધીમે દિવસો વીતતા યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી અલગ-અલગ દિવસે સોનાની ચેઈન, સોનાનો સેટ તથા રોકડા રૃા.૬૬ હજાર મળી કુલ્લે રૃા.૨,૩૨,૫૦૦ની મત્તા લઈ લીધી હતી. બાદમાં યુવકે યુવતી સાથે વાત કરવાનું ઓછુ કરી દીધું હતું અને યુવતીએ સોનાની વસ્તુઓ તથા રોકડની માંગણી કરતા મને સમય આપ હું તારુ બધુ પાછુ આપી દઈશ તેમ જણાવ્યું હતું. જો કે અવાર-નવાર માંગણી કરવા છતાં સાહિલે યુવતીને સોનાની વસ્તુઓ કે રોકડ પરત કરી ન હતી. જેથી યુવતીએ પરિવારના સભ્યોને આ અંગે વાત કરતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા અને તેઓ યુવતીને લઈને વિદ્યાનગર પોલીસ દફતરે પહોંચ્યા હતા. જ્યાં યુવતીએ સાહિલ ઉર્ફે સેમ ઉર્ફે તાબીઝ અશરફખાન ઘોરી (રહે.બાકરોલ) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.