ટ્રકનાં ડ્રાઇવર અને ક્લીનરે લૂંટનું તરકટ રચ્યું હતું, પૈસા ઝાડીઓમાં છુપાવી દીધા


- સામરખાના 8.61 લાખના લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળ્યા

- કપાસ વેચીને મળેલી લાખોની રકમ જોઇ મન લલચાયું અને લૂંટ થયાની સ્ટોરી ઉપજાવી કાઢી

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ આણંદના સામરખા નજીક ત્રણેક દિવસ પૂર્વે સાંજના સુમારે રિવોલ્વરની અણીએ થયેલ રૂા.૮.૬૧ લાખની લૂંટના ગુનાનો ભેદ આણંદ ગ્રામ્ય પોલીસે ઉકેલી નાખ્યો છે. નાણા ચાઉં કરી જવા માટે ચાલક તથા ક્લીનરે જ આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું ખૂલવા પામ્યું છે. પોલીસે નડિયાદ એક્ઝીટ પોઈન્ટ નજીક ઝાડીઓમાં છુપાવેલ રોકડ કબ્જે લઈ ડ્રાઈવર-ક્લીનર વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ નસવાડી ખાતે વેપાર કરતા આકબાની હનીફે એક વાહનમાં કપાસનો જથ્થો ભરી ચાલક તથા ક્લિનરને હારીજ ખાતે કપાસ વેચવા મોકલ્યા હતા. કપાસ વેચીને તેના આવેલ રોકડા રૂા.૮,૬૧,૧૩૨ લઈને આ બંને શખ્સો ગત તા.૨૦મીના રોજ સાંજના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદ તાલુકાના સામરખા નજીક એક કારમાં આવી ચડેલ કેટલાક શખ્સો પૈકી બે શખ્સોએ કારમાંથી ઉતરી રિવોલ્વર બતાવી ધાક-ધમકી આપી ચાલક તથા ક્લિનર પાસેથી રૂા.૮.૬૧ લાખ ઉપરાંતની રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવા અંગે આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે ફરીયાદ નોંધાવા પામી હતી. 

સમગ્ર ઘટના અંગે પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આણંદ ગ્રામ્ય પોલીસની ટીમે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા ચાલક તથા ક્લિનર દ્વારા રજૂ કરાયેલ કાર અંગેની માહિતીના સંદર્ભમાં આવી કોઈ કાર વડોદરા તરફ એક્ઝીટ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ પોલીસને શક ગયો હતો.

પોલીસે ચાલકના નામ-ઠામ અંગે પૂછપરછ કરતા તે રાજુભાઈ ઉર્ફે ભીમો ઉકેડભાઈ તડવી અને ક્લિનર સંજયભાઈ ઉર્ફે શનો રમણભાઈ તડવી (બંને રહે નસવાડી) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચાલક તથા ક્લિનરની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચાલક રાજુભાઈ ઉર્ફે  ભીમો ભાંગી પડયો હતો અને બંનેએ સાથે મળી શેઠને પૈસા આપવાના હોઈ નાણા ચાઉં કરી જવાના આશયથી આ સમગ્ર લૂંટની ઘટનાનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. લૂંટનું તરકટ રચ્યા બાદ બંનેએ રૂા.૮,૬૧,૧૩૨ નડિયાદ એક્સપ્રેસ ટોલબુથ પાસે રોડ નજીકની ઝાડીઓમાં છુપાવ્યા હોવાનું જણાવતા પોલીસે આ રોકડ રીકવર કરી હતી અને ચાલક તથા ક્લિનર બંને વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

10 વર્ષની નોકરી છતાંય પગાર વધારો ન મળતા ડ્રાઇવર હતાશ હતો

આણંદના ડીવાય.એસ.પીએ આ અંગે જણાવ્યું હતું કે વેપારી આકબાની હનીફને ત્યાં રાજુભાઈ ઉર્ફે ભીમો દસ વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. માસિક પગાર ઉપરાંત તેને ખર્ચના પૈસા આપવામાં આવતા હતા. જો કે સતત વધતી જતી મોંઘવારી વચ્ચે માલિક દ્વારા પગાર વધારો કરવામાં નહીં  આવતા તે નારાજ હતો જેને લઈ એકસાથે રૂા.૮ લાખ ઉપરાંતની માતબર રકમ જોતા તેના મનમાં લાલચ જાગી હતી અને લૂંટની ખોટી સ્ટોરી બનાવી હતી. 

આ નાણાના ભાગ પાડી ડ્રાઈવર તથા ક્લીનરની નોકરી છોડી દઈ બને જણા અન્ય નોકરી કે વેપાર-ધંધો કરશે તેવી યોજના બનાવી હતી. જો કે તેઓનો પ્લાન સફળ થયો નહતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

City News

Sports

RECENT NEWS