પુરપાટ દોડતા ટ્રેકટર ચાલકે બાઈકને ટક્કર મારતા પિતા અને પુત્રીનાં ઘટના સ્થળે મોત
- ધર્મજ-તારાપુર રોડ પર દંતેલી ગામના પાટિયા પાસે
- સાંજના સમયે સહપરિવાર જતાં શખ્સને અકસ્માત નડયો ઃ પત્નીને ગંભીર ઇજાઓ થતા ધર્મજની હોસ્પિટલમાં ખસેડાઈ : ફરાર ટ્રેકટર ચાલક સામે ગુનો
આણંદ, તા.28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
આણંદ જિલ્લાના ધર્મજ-તારાપુર રોડ ઉપર દંતેલી ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ એક ટ્રેક્ટરના ચાલકે આગળ જઈ રહેલ મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર પિતા-પુત્રીનું શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યુ ંહતું જ્યારે માતાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધર્મજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ વડદલા ગામે વિપુલભાઈ રમણભાઈ ઠાકોર (ઉં.વ.૩૧) પોતાના પરિવાર સાથે રહે છે. ગુરૂવારના રોજ તેઓ પોતાની મોટરસાયકલ ઉપર પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્રી રીયુ (ઉં.વ.૪)ને બેસાડી પોતાની સાસરી માણેજ ખાતે ગયા હતા. જ્યાંથી તેઓ સાંજના સુમારે પરત ઘર તરફ આવવા નીકળ્યા હતા.
દરમ્યાન સાંજના પાંચેક વાગ્યાના સુમારે તેઓની મોટરસાયકલ ધર્મજ-તારાપુર રોડ ઉપર આવેલ દંતેલી ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ ટ્રેક્ટરના ચાલકે તેઓની મોટરસાયકલને ટક્કર મારી હતી. ટ્રેક્ટરની ટક્કર વાગતા જ મોટરસાયકલ પર સવારે ત્રણેય વ્યક્તિઓ રોડ ઉપર પટકાયા હતા. જેથી વિપુલભાઈ તેમજ રીયાબેનને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત થઈ જવા પામ્યું હતું.
જ્યારે ધર્મિષ્ઠાબેનને ગંભીર હાલતમાં ૧૦૮ મોબાઈલ વાન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે ઘટના બાદ ટ્રેક્ટરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગોરધનભાઈ મહજીભાઈ ઠાકોરની ફરિયાદને આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ફરાર ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.