108 ની ટીમે વતન જઈ રહેલી સગર્ભાની વાનમાં જ પ્રસુતિ કરાવી
- આણંદ જિલ્લાની તારાપુર ચોકડી પાસે
- શ્રમિક મહિલા અને અન્ય લોકો અમરેલીથી મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા ત્યારે બનેલી ઘટના
આણંદ, તા.16 મે 2020, શનિવાર
લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આણંદ જિલ્લાના તારાપુરની ૧૦૮ની ટીમ ફરીથી એકવાર સગર્ભા મહિલા માટે આશીર્વાદરૃપ બનતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સગર્ભા મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતા સગર્ભા મહિલાએ એક બાળકને જન્મ આપતા આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
વધુમાં મળતી માહિતી મુજબ અમરેલીથી મધ્યપ્રદેશ જઈ રહેલ એક ખાનગી વાહનમાં મજૂર વર્ગની એક મહિલાને અચાનક રાત્રિના સુમારે પ્રસુતિની પીડા ઉપડી હતી. આ સમયે તેઓ આણંદ જિલ્લાના તારાપુરની ચોકડીની નજીકમાં હતા. ચાલુ મુસાફરીમાં મજૂરવર્ગની મહિલાને પ્રસુતિ ઉપડતા અન્ય મુસાફરોએ તુરંત જ ૧૦૮ નંબર ઉપર કોલ કરી જાણ કરી હતી. જેથી તારાપુુરની ૧૦૮ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. દરમ્યાન સગર્ભા મહિલાની તપાસ કરતા બાળકની નાળ ગળામાં વીંટળાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી ૧૦૮ની ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સવાનમાં જ મહિલાની ડીલીવરી કરાવવાનું નક્કી કર્યું હતું. જે મુજબ જિલ્લા સુપરવાઈઝર રવિભાઈ પ્રજાપતિ અને તેમની અનુભવી ટીમ તથા ઈએમટી અજીતભાઈ અને પાયલોટ ભગવતસિંહ પઢિયારે પોતાની આવડતથી અને ઈઆરસીપી તબીબની સલાહ મુજબ એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આમ, ૧૦૮ની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવતા પરિવાર તથા મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી હતી.