આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ જ દારૂનો ધંધો કરતા હોવાનું પકડાયું
- માનપુરા ગામના પૂર્વ સરપંચ અને
- ફતેપુરા સીમના ખેતરમાંથી દારૂ-બિયરનો જથ્થો મળતા પ્રમુખ સામે ગુનો નોંધાયો
આણંદ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડ અને આંકલાવ પોલીસની સંયુક્ત ટીમે મળેલ ગુપ્ત બાતમીના આધારે આંકલાવ તાલુકાના માનપુર ગામની ફતેપુર સીમમાં ઓચિંતો છાપો મારીને આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ-ભાજપ લખેલ કાર અને ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ઓળખાતા અને આ હોદ્દો લખેલ તેઓની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટી મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આંકલાવ તાલુકાના માનપુરા ગામના પૂર્વ સરપંચ અને આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચાના ભાજપના પ્રમુખ તરીકે ઓળખાતા ઠાકોરભાઈ કેસરીસિંહ પઢિયાર પોતાના ફતેપુર સીમમાં આવેલ ખેતરમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડને મળી હતી. જેથી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આંકલાવ પોલીસને સાથે રાખી ફતેપુર સીમમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં ખેતરમાં આવેલ મકાનની એકબાજુ મુકેલ કાર અને લીમડાના ઝાડ નીચે ઘાસમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વિદેશી દારૂ તથા બિયર તેમજ એક સ્વીફ્ટ કાર મળી કુલ્લે રૂા.૨.૩૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે પોલીસને ઘટના સ્થળેથી કોઈ વ્યક્તિ મળી આવ્યું ન હતું. હાલ તો આંકલાવ પોલીસે આ બનાવ અંગે ઠાકોરભાઈ કેસરીસિંહ પઢિયાર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આંકલાવ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભાજપ લખેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાની વાત વહેતી થતા રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ જવા પામી છે.