Get The App

આણંદમાં મોલ ખુલ્લા રહેતા લોકોમાં રોષ જાગ્યો

- કોરોના વાઈરસને મહામારી જાહેર કરાઈ છે તેવા ગંભીર સંજોગોમાં

- શનિવારે જિલ્લા તંત્રને જાણ થતાં તમામ મોત અને કેટલાક જીમ બંધ કરાવ્યા : પૈસાના લાલચુ મોલ સંચાલકોને પાઠ ભણાવવો જરૂરી

Updated: Mar 22nd, 2020

GS TEAM

Google News
Google News
આણંદમાં મોલ ખુલ્લા રહેતા લોકોમાં રોષ જાગ્યો 1 - image


આણંદ,તા.21 માર્ચ 2020, શનિવાર

નોવેલ કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે ત્યારે આણંદ જિલ્લામાં કોરોના વાઈરસના પ્રકોપને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૪૪ની કલમ અમલી બનાવાઈ છે. જો કે આણંદ જિલ્લામાં આ જાહેરનામું માત્ર કાગળ ઉપર રહી ગયું હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. 

જાહેરનામા મુજબ જિલ્લામાં મોલ, જીમ, ડાન્સ ક્લાસીસ, બંધ રાખવા માટે આદેશ અપાયા હોવા છતાં આણંદ શહેરમાં આવેલ મોટાભાગના મોલ સવારના સુમારે ખુલ્લા રહેતા જાગૃતોમાં તંત્રની ઢીલી નીતિ સામે આશ્ચર્ય સાથે છુપા રોષની લાગણી જોવા મળી હતી. જો કે શનિવારના રોજ બપોર બાદ તંત્રએ હરકતમાં આવી વિવિધ મોલ્સ તેમજ જીમ સેન્ટરો બંધ કરાવ્યા હતા.

ભારતમાં કોરોનાના કુલ ૧૨૬થી વધુ કેસ નોંધાયા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઈરસને ફેલાતો અટકાવવા માટે આણંદ જિલ્લામાં નિયંત્રણ મુકવામાં આવ્યા છે.

જે અંતર્ગત આગામી તા.૩૧મી માર્ચ, ૨૦૨૦ સુધી જિલ્લામાં સભા-સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળાના આયોજન પર પ્રતિબંધ સાથે મોલ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, જીમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ક્લબ હાઉસ વગેરે જેવા સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા આદેશ કરાયા છે.

જો કે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. મોલ, જીમ જેવા સ્થળો બંધ રાખવાનો આદેશ હોવા છતાં શનિવારના રોજ સવારના સુમારે આણંદ શહેરમાં આવેલ વિવિધ મોલ ખુલ્લા રહેવા પામ્યા હતા. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક મોલના સંચાલકો દ્વારા જાહેરનામાની ઐસી-તૈસી કરી મોલ ખુલ્લા રાખતા જાગૃતોમાં આશ્ચર્યની સાથે છુપો રોષ જોવા મળ્યો હતો. જો કે બપોર બાદ જાહેરનામાને લઈ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને શહેરમાં આવેલ મોલ્સ, જીમ બંધ કરાવવામાં આવ્યા હતા. આગામી તા.૩૧ માર્ચ સુધી મોલ્સ બંધ રાખવાનું જાહેરનામું છે ત્યારે જાહેરનામાનો અમલ થાય છે કે કેમ તે તો સમય બતાવશે.

ખાણીપીણીની દુકાનો પર હાઇજીનની સુવિધાઓનો અભાવ

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે હોટલો, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, ભોજનાલય સહિતના તમામ ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતી હોય તેવા સ્થળના સંચાલકોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઈજીનની વ્યવસ્થા કરી તકેદારી રાખવાના આદેશ થયા છે પરંતુ આણંદ શહેરમાં આવેલ મોટાભાગની ખાણી-પીણીની દુકાનો ખાતે હાઈજીનની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. કેટલાક સ્થળોની આસપાસ ગંદકી ફેલાયેલી જોવા મળે છે. જેને લઈ કોરોના વાઈરસનો ખતરો વધવા પામ્યો છે ત્યારે તંત્ર દ્વારા આવી ખાણી-પીણીની દુકાનો સામે શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ? તે તો આગામી સમય જ બતાવશે.

Tags :