Get The App

આણંદ જિલ્લામાં સૂર્યનારાયણનો આકરો મિજાજ યથાવત : જનજીવન પ્રભાવિત

- બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અનુભવ લોકડાઉનમાં છૂટ છતા કરફયુ જેવો માહોલ

Updated: May 26th, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં સૂર્યનારાયણનો આકરો મિજાજ યથાવત : જનજીવન પ્રભાવિત 1 - image


આણંદ, તા.26 મે 2020, મંગળવાર

સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાતા ચરોતરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હાલ ગરમીમાંથી રાહત મળવાના કોઈ એંધાણ નથી ત્યારે ગરમીનું પ્રમાણ વધતા સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસરો જોવા મળી રહી છે. આગામી બે દિવસ દરમ્યાન ગરમીનું મોજુ યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તરભારત સહિતના કેટલાક સ્થળોએ હિટવેવની સ્થિતિ તીવ્ર બની છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું જોર વધવા પામ્યું છે. ગરમ પવનો ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ તાપમાનનો પારો ધીમે-ધીમે ઉંચે જઈ રહ્યો છે. સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી અનુભવાઈ રહી છે. ગત શુક્રવારના રોજ આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨.૫ ડિ.સે. નોંધાયા બાદ તાપમાનમાં સામાન્ય વધઘટ રહી હતી અને ત્યારબાદ સોમવારના રોજ મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાતા તાપમાનનો પારો ૪૩ ડિ.સે. સુધી પહોંચી જવા પામ્યા હતો. મંગળવારના રોજ પણ તાપમાનનો પારો ૪૨.૫ ડિ.સે. નોંધાતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને બપોરના સુમારે અંગ દઝાડતી ગરમીના કારણે જિલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. 

કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકડાઉનના ચોથા તબક્કામાં વિવિધ વેપાર-ધંધાને સવારના ૮ઃ૦૦ થી ૪ઃ૦૦ કલાક સુધી છુટ આપવામાં આવતા આણંદ જિલ્લાના બજારોમાં સવારના સુમારે ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળે છે. પરંતુ આકરા તાપને લઈ મોટાભાગના લોકો સવારના સુમારે જ જરૃરી કામકાજ સહિત ખરીદીનું કામકાજ પૂર્ણ કરી બપોરના સુમારે ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનાસીબ માની રહ્યા છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારના રોજ આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨.૫ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૪.૮ ડિ.સે. રહેવા પામ્યું હતું. જ્યારે હવામાં  ભેજનું પ્રમાણ ૭૧ ટકા, પવનની ઝડપ ૬.૩ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૧.૬ નોંધાયો હતો. આગામી બે દિવસ દરમ્યાન જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે.

Tags :