આણંદમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા પોલીસ વડા સહિતના કાફલો માર્ગો પર ફર્યો
- પોલીસ વડાએ પરિસ્થિતિનો તાગ મેળવી વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કરાયો
આણંદ, તા.28 એપ્રિલ 2020, મંગળવાર
લોકડાઉન અંતિમ ચરણમાં છે ત્યારે આણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા વેપારીઓ સહિત નગરજનો ઉપર નજર રાખવા જિલ્લા પોલીસ અધિક્ષક આજે સવારના સુમારે ખુદ મેદાનમાં ઉતર્યા હતા. સવારના સુમારે આઠ વાહનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકનો કાફલો આણંદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરી લોકડાઉન અંગે તાગ મેળવ્યો હતો અને શહેરના સરદારગંજ વિસ્તારના વેપારીઓને સોશ્યલ ડીસ્ટન્સ જાળવી લોકડાઉનનું પાલન કરવા સમજાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી તા.૩ મે સુધી દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે હવે લોકડાઉન તેના અંતિમ તબક્કામાં હોઈ પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે આણંદ શહેરના સરદારગંજ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી કેટલાક વેપારીઓ તંત્રને ગાંઠતા ન હોવાની ફરિયાદો ઉઠતાં આજે સવારના સુમારે જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ સાથે આઠ વાહનોનો કાફલો સરદારગંજ વિસ્તારમાં ધસી ગયો હતો. પોલીસના સાયરન સાંભળતા જ વેપારીઓ તેમજ ખરીદી અર્થે બજારમાં આવેલ ગ્રાહકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આઠ વાહનોના કાફલા સાથે પોલીસ અધિક્ષક સહિતની ટીમો સરદારગંજ ખાતે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જો કે કેટલાક દુકાનોની બહાર મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હોઈ જિલ્લા પોલીસ અધિક્ષકે આવા વેપારીઓને સમજાવી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકના આ કાફલાએ અમૂલ ડેરી રોડ, રેલ્વે સ્ટેશન, ગુજરાતી ચોક, મહેન્દ્ર શાહ હોસ્પિટલ, ઈસ્માઈલનગર, સામરખા ચોકડીથી પરત ફરી ૧૦૦ ફૂટ રોડ, ૮૦ ફૂટ રોડ થઈ વિદ્યાનગરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.