આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પણ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો બંધ રહેશે
- કોરોનાની વિકરાળ મહામારી વચ્ચે
- લોકો મોટેભાગે ઘેર જ ઉપવાસ, અખંડજાપ અને પૂજા-અર્ચના કરીને ભોળાનાથને મનાવશે
આણંદ, તા. 20 જુલાઈ 2020, સોમવાર
શિવભક્તિની રસધાર માણવાનો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ. દેવાધિદેવ મહાદેવની આરાધનાના માટે મહત્વના ગણાતા પવિત્ર શ્રાવણ માસનો મંગળવારના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે મંદિરોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળશે અને લોકો ઘરેથી જ ઉપવાસ, અંખડ જાપ તેમજ પૂજા-અર્ચના કરી શિવજીને રીઝવવા પ્રયાસ કરશે.
શ્રાવણ માસ દરમ્યાન મહાદેવની પૂજા-અર્ચના કરવાથી વિશેષ પૂણ્ય પ્રાપ્ત થતુ હોઈ ભક્તો શિવજીની આરાધનામાં લીન બને છે. મંગળવારના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાના શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવનાર છે. કોરોનાના કપરાં કાળમાં મહાદેવ મંદિરો ફુલટાઈમ ખુલ્યા નથી. જેને લઈ શ્રધ્ધાળુઓ શ્રાવણ માસ દરમ્યાન મોટાભાગે પોતાના ઘરેથી જ ભોલેનાથની આરાધના કરશે. સાથે સાથે શ્રાવણ માસ દરમ્યાન તહેવારો વધુ આવતા હોઈ આ માસનો મહિમા અનેરો જોવા મળે છે. આ માસ દરમ્યાન કોઈ ધાર્મિક રીતે ચાતુર્યમાસ કરે છે, કોઈ એકટાણાં કરે છે, તો કોઈ આખા શ્રાવણ માસ દરમ્યાન ઉપવસા એકટાણાં કરતા હોય છે.
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આણંદ શહેરના સુપ્રસિધ્ધ જાગનાથ મહાદેવ, લોટેશ્વર મહાદેવ, કાબ્રેશ્વર મહાદેવ, વિદ્યાનગરના નિલકંઠેશ્વર મહાદેવ,ઓમકારેશ્વર મહાદેવ, પેટલાદ ખાતે આવેલ રામનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, વૈજનાથ મહાદેવ, ખંભાત ખાતે આવેલ સિધ્ધનાથ મહાદેવ, ભાવનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને ભીમનાથ મહાદેવ ઉપરાંત જીટોડીયા ખાતેના ઐતિહાસિક વૈજનાથ મહાદેવ સહિત જિલ્લાનાં બોરસદ,આંકલાવ,તારાપુર, સોજિત્રા અને ઉમરેઠ નગરનાં શિવાલયોમાં ભક્તો દર્શન માટે આવશે. જો કે કોરોનાની મહામારીને લઈ સોશ્યલ ડીસ્ટન્સ તેમજ માસ્ક ફરજિયાત હોઈ મંદિર પરિસરમાં આવતા ભક્તો દ્વારા આ નિયમોનું પાલન થાય તે અંગેનું આયોજન મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરી દેવામાં આવ્યું છે.