એસ પી યુનિવર્સિટીની પીજી અને યુજીની છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાની તૈયારી શરૂ
- કેન્દ્રીય ગૃહમંત્રાલયની લીલી ઝંડી મળતા
- પરીક્ષા ઓફલાઈન કે ઓનલાઈન અથવા બંનેનો સમન્વય કરી યોજવાનો પણ વિકલ્પ
આણંદ, તા.7 જુલાઈ 2020, મંગળવાર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે યુનિવર્સિટીઓની છેલ્લા વર્ષની ટર્મ પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે ત્યારે હવે ગુજરાતમાં વિવિધ યુનિવર્સિટીઓની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. જે અંતર્ગત વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની પીજી તેમજ યુજીની અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવા માટે તખતો તૈયાર કરવાની કામગીરીનો આરંભ કરાયો છે. આગામી એક-બે દિવસમાં પરીક્ષાઓ અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવનાર હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૨માં તા.૩૧ જુલાઈ સુધી શાળા-કોલેજો બંધ રાખવા ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જે અંતર્ગત કેટલાક રાજ્યોમાં યુનિવર્સિટીઓની પરીક્ષા ચાલુ હોઈ શિક્ષણ વિભાગના આદેશથી આ પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી. વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ ગત તા.૨૯ જૂન, ૨૦૨૦થી અનુસ્નાતક કક્ષાના કેટલાક અભ્યાસક્રમોની પરીક્ષાઓ શરૃ કરાઈ હતી. જો કે રાજ્ય સરકારના આદેશથી આ તમામ પરીક્ષાઓ મોકૂફ કરી દેવાઈ હતી. હવે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નવી સુચનાઓ સાથે પરીક્ષાઓ યોજવા મંજુરી આપવામાં આવી છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ વિભાગ અલગ-અલગ રાજ્યોને પરીક્ષા લેવા માટે ફરીથી વિગતવાર સુચના અપાશે. બીજી તરફ યુજીસી દ્વારા સપ્ટેમ્બર અંત સુધીમાં પરીક્ષાઓ લેવા સુચના અપાઈ છે. જે અંતર્ગત પરીક્ષા ઓફલાઈન અથવા ઓનલાઈન કે પછી બંનેનો સમન્વય કરી ગાઈડલાઈન અને પ્રોટોકોલના પાલનથી પરીક્ષા લેવા યુજીસી દ્વારા જણાવાયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં આ અંગે જાહેરાત કરાશે. વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક-અનુસ્નાતક કક્ષાના છેલ્લા વર્ષની પરીક્ષાઓ પણ યોજાનાર છે ત્યારે આ અંગે યુનિ.ના કુલપતિ ર્ડા.શિરીષ કુલકર્ણી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ અંગે રાજ્ય સરકારના આદેશાનુસાર નિર્ણય લેવાશે. આગામી એક-બે દિવસમાં પરીક્ષાઓ અંગે નિર્ણય લઈ વિગતવાર જાહેરાત કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.