એસ પી યુનિ. દ્વારા લેવાનારી સ્નાતક કક્ષાની પરીક્ષાઓ મોકુફ
- સિન્ડીકેટની સભામાં ઉગ્ર ચર્ચાઓ અને દલીલો વચ્ચે
- ૨૯ જૂનથી અનુસ્નાતકની પરીક્ષાઓ લેવાશે જ : સિન્ડીકેટ સભ્યોએ કુલપતિ પર ઉપરાઉપરી આક્ષેપો કર્યા
આણંદ, તા.22 જૂન 2020, સોમવાર
તમે એકહથ્થુ નિર્ણય લો છો અને પછી જ્યારે ફસાવ છો ત્યારે સીન્ડીકેટના ખભે મુકી બંદૂક ફોડો છો તેવી રજૂઆત આજની સીન્ડીકેટ સભામાં થયા બાદ ઉગ્ર ચર્ચા વચ્ચે સ.પ.યુનિ.ના સત્તાધીશો દ્વારા આગામી તા.૨જી જુલાઈથી શરૃ થતી સ્નાતક કક્ષાની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી વ્યાપી છે. જો કે તા.૨૯ જૂનથી શરૃ થતી અનુસ્નાતક કક્ષાની કેટલીક પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે તેવો નિર્ણય યુનિ. સત્તાધીશો દ્વારા લેવાયો છે.
કોવિડ-૧૯ની મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યુનિ.ની પરીક્ષાઓ યોજવા અંગે આદેશ થતા વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨ જુલાઈથી સ્નાતક કક્ષાની પરીક્ષાઓ યોજવા જાહેરાત કરાઈ હતી. જો કે હાલની પરિસ્થિતિને જોતા પરીક્ષા દરમ્યાન કોરોના વાયરસનું જોખમ વિદ્યાર્થીઓના માથે હોઈ સ.પ.યુનિ.ના સીન્ડીકેટ સભ્યો, અધ્યાપક મંડળ, પ્રિન્સીપાલ મંડળ, વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરી યુનિ.ની આ પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે ઉગ્ર રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાનમાં લેતા યુનિ.ના કુલપતિ દ્વારા આજે સવારના સુમારે સીન્ડીકેટની તાકીદની સભા બોલાવવામાં આવી હતી. જેમાં આણંદ તથા ખેડા જિલ્લામાં કોવીડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ યુનિ.ની આગામી પરીક્ષાના આયોજન બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આજની સીન્ડીકેટ સભામાં ૧૮ સીન્ડીકેટ સભ્યો હાજર રહ્યા હતા અને યુનિ. દ્વારા લેવાનાર પરીક્ષાના આયોજન અંગે ચર્ચા કરાતા કેટલાક સીનીયર સીન્ડીકેટ સભ્યોએ યુનિ.ના કુલપતિ ઉપર આક્ષેપ મુકતા તમે એક તરફી નિર્ણય લો છો અને જ્યારે ફસાવ છો ત્યારે સીન્ડીકેટમાં કામ લાવી સીન્ડીકેટના ખભે બંદુક મુકી ફોડો છો તેમ જણાવાતા થોડી મિનિટો માટે મામલો ગરમાયો હતો.
જો કે આ તમામ રજૂઆતો વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાનાર સ્નાતક કક્ષાની આગામી તા.૨ જુલાઈથી શરૃ થનાર પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ૨૯ જૂનથી શરૃ થતી અનુસ્નાતક કક્ષાની સંસ્કૃત, ઈતિહાસ, પોલીટીકલ સાયન્સ વિગેરે અભ્યાસક્રમોની પરીક્ષાઓ રાબેતા મુજબ જ્ઞાનોદય હોલ ખાતે યોજાશે.