આણંદમાં વિદ્યાનગર રોડ પરમાં ભક્તિ બંગલોમાં રૂપિયા 1.66 લાખની તસ્કરી
- ચોરોએ બંગલાના પ્રવેશદ્વારના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, અમેરિકન ડોલરની ચોરી કરી
આણંદ, તા. 13 જુલાઈ 2020, સોમવાર
આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ નંદભૂમિ પાર્ટીપ્લોટ નજીકના એક બંધ રહેણાંક મકાનને રાત્રિના સુમારે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંગલાના પ્રવેશદ્વારના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા અમેરીકન ડોલર મળી કુલ્લે રૂા.૧.૬૬ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ તાલુકા મથક ઉમરેઠની વૈકુંઠ સોસાયટીમાં રહેતા જયેશભાઈ ભાનુભાઈ ભટ્ટનું આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ નંદભૂમિ પાર્ટીપ્લોટના ખાંચામાં આવેલ ભક્તિ બંગલો ખાતે અન્ય એક મકાન આવેલ છે. તેઓની દિકરી વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતી હોઈ થોડા સમય પૂર્વે તેઓ આણંદ ખાતેના આ બંગલામાં રહેતા હતા. પરંતુ કોરોના વાયરસને લઈ લોકડાઉન થતા તેઓ ઉમરેઠ ખાતે રહેવા આવ્યા હતા. દરમ્યાન ગત તા.૨૪-૬-૨૦૨૦ના રોજ રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંગલાના મુખ્ય દરવાજાના તાળા તોડી બંગલામાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ અમેરીકન ડોલર તથા બાથરૂમના નળ અને ફુવારા મળી કુલ્લે રૂા.૧,૬૬,૨૦૦ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ જયેશકુમાર ભટ્ટને થતા તેઓ તુરંત જ આણંદ ખાતેના પોતાના રહેણાંક મકાન ખાતે પહોંચ્યા હતા અને મકાનમાં તલાશી લેતાં અંદર ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગે તુરંત જ આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે જયેશકુમાર ભાનુભાઈ ભટ્ટની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી ફીંગરપ્રિન્ટ નિષ્ણાંત અને ર્ડાગસ્કવોર્ડની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.