આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના એક સાથે 11 કેસ
- ચરોતરમાં કોરોનાનો વિસ્ફોટ થતા ફફડાટ
- આણંદ શહેર, વિદ્યાનગર, સામરખા, માણેજ, બોરસદ, કાવીઠા, મોરડ અને પચેગામમાં કેસો નોંધાતા દોડધામ
આણંદ, તા.7 જુલાઈ 2020, મંગળવાર
તંત્રની ઢીલી નીતિ અને પ્રજાજનોની ઘોર લાપરવાહીને લઈ છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. આજે આણંદ, વિદ્યાનગર, સામરખા, માણેજ, બોરસદ, કાવીઠા, મોરડ, પચેગામ સહિતના વિવિધ સ્થળોએ મળી કુલ ૧૧ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાભરમાં ખળભળાટી મચી જવા પામી છે.
આણંદ શહેરમાં ૫ મળી જિલ્લાના નવા-નવા વિસ્તારોમાંથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્રની ટીમો કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને આરોગ્ય તપાસણી હાથ ધરી હતી.
અનલોક-૧ના અંતિમ ચરણમાં આણંદ જિલ્લામાં કોરોના વાયરસે પુનઃ માથુ ઉચક્યા બાદ અનલોક-૨માં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે.
ગત રવિવારના રોજ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાયા બાદ સોમવારના રોજ જિલ્લામાંથી કોરોનાના ૬ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. દરમ્યાન આજે જિલ્લામાંથી કોરોનાના નવા ૧૧ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આણંદ શહેરમાંથી કોરોનાના ૫ પોઝીટીવ કેસ મળી આવતા પાલિકા તંત્ર સહિત આરોગ્ય વિભાગની ટીમોએ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી જઈ કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી જે-તે વિસ્તારને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ સત્કૈવલધામ સોસાયટી ખાતે રહેતા વૃધ્ધ દંપત્તીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે આણંદની ગ્રીડ ચોકડી નજીક ફ્રેન્ડસ કોલોની ખાતે રહેતી એક ૬૫ વર્ષીય મહિલા તેમજ વલ્લભવિદ્યાનગરની બજરંગ સોસાયટી નજીક આવેલ રાજગૃહ પાર્ક ખાતે રહેતી ૬૫ વર્ષીય મહિલા તથા આણંદ પાસેના સામરખા ગામની જુની પાણીની ટાંકી નજીક રહેતી એક ૬૦ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે આણંદના ભાલેજ રોડ ઉપર આવેલ સરગમ સોસાયટી ખાતે રહેતા ૬૫ વર્ષીય પુરૃષ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે પગપેસારો કરતા પેટલાદના માણેજ ગામના ઝંડાકૂઈ વિસ્તારમાંથી ૬૫ વર્ષીય પુરૃષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે બોરસદની અખંડ આનંદ સોસાયટી ખાતે રહેતા ૭૨ વર્ષીય પુરૃષ તેમજ કાવીઠાની સાર્વજનિક હોસ્પિટલ નજીક રહેતા ૫૨ વર્ષીય પુરૃષ જ્યારે પેટલાદના મોરડ ગામે રહેતા ૫૯ વર્ષીય પુરૃષ અને તારાપુર તાલુકાના પચેગામ ખાતે રહેતી એક ૨૮ વર્ષીય યુવતી કોરોનાની ઝપેટમાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ શહેર સહિત જિલ્લાભરના અલગ-અલગ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર સહિત સ્થાનિક તંત્રની ટીમો તુરંત જ જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને જે-તે વિસ્તારને સેનીટાઈઝ કરી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી હતી. જો કે બીજી તરફ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ અટકે તે હેતુથી તંત્રની સાથે સાથે જિલ્લાવાસીઓએ પણ સહકાર આપી પોતે સતર્ક રહેવુ પડશે તેવો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે.