આણંદ તાલુકાના બેડવા ગામે બે જૂથો વચ્ચે હિંસક ધિંગાણું ખેલાતા સાતને ઈજા
- 10 દિવસ અગાઉ થયેલી તકરારની અદાવતમાં
- બંને જૂથો હથિયારો લઈ સામસામે આવી ગયા એકને આંખમાં મરચુ નખાતા સારવાર અપાઇ
આણંદ, તા.05 માર્ચ 2020, ગુરુવાર
આણંદ પાસેના બેડવા ગામે ગઈકાલ રાત્રિના સુમારે ૧૦ દિવસ અગાઉ થયેલ તકરારની અદાવતને લઈને પટેલ તેમજ દરબાર કોમના બે જૂથો વચ્ચે મામલો બીચક્યો હતો. બંને જૂથના લોકો મારક હથિયારોથી સજ્જ થઈ એકબીજા ઉપર હુમલો કરતા સાત જેટલા વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચવા પામી છે. આ તકરારમાં એક શખ્શને આંખમાં મરચું નાખવામાં આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ બનાવ અંગે ખંભોળજ પોલીસે સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ રાયોટીંગનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ તાલુકાના બેડવા ગામે જોગણીમાતાવાળા ફળીયામાં રહેતા જીતેન્દ્રભાઈ રોહિતભાઈ ડાભી તથા તેમના બનેવી કરણભાઈ પરમાર ગઈકાલ રાત્રિના સુમારે મોટરસાયકલ લઈને ગામની ભાગોળે મસાલો લેવા ગયા હતા. જ્યાં બેડવા ગામે રહેતા હાર્દિકભાઈ પ્રવિણભાઈ પટેલ સહિતના શખ્શોએ અમારી સામે શું જુએ છે તેમ જણાવી અપશબ્દો બોલતા જીતેન્દ્રભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા હાર્દિકભાઈ સહિતના ત્રણ શખ્શોએ જીતેન્દ્રભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન કરણભાઈ વચ્ચે છોડાવવા પડતા તેઓને લોખંડની પાઈપ વડે માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ બનાવ અંગે જીતેન્દ્રભાઈ રોહિતભાઈ ડાભીએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાર્દિકભાઈ પ્રવિણભાઈ પટેલ, કેયુરભાઈ મગનભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, દિપભાઈ પંડયા અને મહેશભાઈ રામાભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામા પક્ષે હાર્દિકકુમાર પ્રવિણભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૬મી ફેબુ્રઆરીના રોજ રાત્રિના સુમારે કાંકરીચારો કરવા બાબતે તેઓને જીતેન્દ્રભાઈ ડાભી સાથે બોલાચાલી થઈ હતી.
આ બાબતની રીષ રાખી ગતરાત્રિના સુમારે જીતેન્દ્રભાઈ રોહિતભાઈ ડાભી સહિતના છ શખ્શો હાથમાં લાકડાના ડંડા લઈને આવી ચઢ્યા હતા અને અપશબ્દો બોલી પંદર દિવસ પૂર્વે અમારી સાથે ઝઘડો કેમ કર્યો હતો તેમ જણાવી કેયુરભાઈ, કલ્પેશભાઈ, તુષારભાઈ તથા ભાવનાબેનને લાકડાના ડંડા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત મિનેષભાઈ પટેલની આંખમાં મરચું નાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે જીતેન્દ્રભાઈ ઉર્ફે ભયલુ રોહિતભાઈ ડાભી, સુનિલભાઈ અરવિંદભાઈ ડાભી, જગદીશભાઈ બુધાભાઈ ડાભી, મોહનભાઈ રઈજીભાઈ ડાભી, ભોલાભાઈ મફતભાઈ ડાભી, કમલેશકુમાર પરષોત્તમભાઈ પરમાર, મયુરભાઈ સાલમભાઈ પરમાર, કરણભાઈ મહેશભાઈ પરમાર, રોહિતભાઈ ડાભી તથા સુશીલાબેન રોહિતભાઈ ડાભી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.