આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આખલાએ મહિલાને શિંગડે લેતા ગંભીર
- શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છતાં તંત્ર નિદ્રામાં
- હુમલાથી ગંભીર રીતે ઘાયલ શ્રમજીવી મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી
આણંદ, તા. 30 મે 2020, શનિવાર
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓની સમસ્યા શિરદર્દ સમાન બની છે ત્યારે આજે સવારના સુમારે આણંદ શહેરના જુના બસ મથક વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષ નજીકથી પસાર થઈ રહેલ શ્રમજીવી મહિલાને એક આંખલાએ શિંગડે ચઢાવતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે સ્થાનિકોએ આ અંગે તુરત જ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે તેણીને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આણંદ શહેરના જુના બસ મથક વિસ્તારમાં આવેલ યાદાદા કોમ્પલેક્ષ નજીક એક વિફરેલા આંખલાએ કોમ્પલેક્ષ નજીકથી પસાર થઈ રહેલ એક શ્રમજીવી મહિલાને શિંગડે ચઢાવી નીચે પછાડતા આ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેણી લોહીલુહાણ થઈ ગઈ હતી. ત્યારબાદ વિફરેલા આંખલાએ પથિકાશ્રમ પાસેથી પસાર થઈ રહેલ એક પ્રૌઢને પણ શિંગડે ચઢાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે સદ્નસીબે આ પ્રૌઢને સામાન્ય ઈજા પહોંચી હતી. યાદાદા કોમ્પલેક્ષ નજીક રખડતા આંખલાએ શ્રમજીવી મહિલાને શિંગડે ચઢાવી ઈજાઓ પહોંચાડી હોવાની જાણ નજીકમાં આવેલ ટ્રાફિક પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાનને થતા તેઓએ તુરંત જ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત શ્રમજીવી મહિલાને તુરંત જ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.છેલ્લા ઘણાં સમયથી આણંદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ બેફામ બન્યો છે. જે અંગે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરાઈ હતી અને હાઈકોર્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સહિત નગરપાલિકાના સત્તાધીશોને તાકીદ કરવામાં આવી હતી. જો કે થોડો સમય તંત્રએ કામગીરી બતાવ્યા બાદ પરિસ્થિતિ પુનઃ જૈસે થે થઈ જવા પામી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના ટોળેટોળા જાહેર માર્ગો ઉપર જોવા મળી રહ્યા છે.
ત્યારે આવા રખડતા પશુઓના કારણે કોઈ જાનહાનિ થશે ત્યારબાદ તંત્ર જાગશે ? તેવો પ્રશ્ન જાગૃતોમાં ચર્ચાઈ રહ્યો છે.