ખોટું સોગંધનામું રજુ કરવાના કેસમાં 4 વર્ષની કેદ ફટકારાઇ


- મૃત વ્યક્તિનો જન્મનો દાખલો મેળવવા ખોટું સોગંદનામું કર્યું હતું

- ખંભાત તાલુકાના વાસણા ગામના શખ્સને સજા કરવામાં આવી

આણંદ : વર્ષ-૨૦૦૬માં મરણ પામેલ વ્યક્તિનું ખોટું સોગંદનામું તૈયાર કરી જન્મનો દાખલો મેળવવા પેટલાદ નગરપાલિકામાં સાચા તરીકે રજુ કરી તેમજ જમીન પોતાના નામે કરાવવા મામલતદાર કચેરી ખંભાતમાં રજુ કરી ગુનો આચરનાર વાસણાના શખ્સને પેટલાદની કોર્ટે તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૨૫ હજારનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.

મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના વાસણા ગામે ચોરાવાળું ફળીયા ખાતે રહેતા રમેશભાઈ જેઠાભાઈ પટેલે ગત તા.૧૭-૭-૨૦૧૫ના રોજ પોતે સોમાભાઈ રણછોડભાઈ ન હોવા છતાં સોગંદનામામાં પોતાનો ફોટો લગાવી સોમાભાઈ તરીકે સહી કરી તેમજ વર્ષ-૨૦૦૬માં ગુજરી ગયેલ હોવાનું જાણતા હોવા છતાં ખોટી સહી કરી તથા સોમાભાઈના પત્ની મંજુલાબેન અભણ હોવા છતાં તેમની સહી કરી-કરાવડાવી નોટરી સમક્ષ હકીકત છુપાવી સહી-સિક્કા કરાવી ખોટું સોગંદનામું તૈયાર કર્યું હતું. આ સોગંદનામાનો પેટલાદ નગરપાલિકામાં સાચા તરીકે ઉપયોગ કરી સોમાભાઈના જન્મનો દાખલો મેળવ્યો હતો. ત્યાર બાદમાં સર્વે નં.૩૬૨વાળી જમીન પોતાના નામે કરવા સારુ ખંભાત મામલતદાર કચેરીમાં રજુ કરી ગુનો આચરતા આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ પેટલાદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા તેમજ સાક્ષીઓની જુબાની તથા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રમેશભાઈ જેઠાભાઈ પટેલને તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સાદી કેદની સજા અને રૂા.૨૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

City News

Sports

RECENT NEWS