સ.પ. યુનિ.ના સત્તાધિશોની નીતિરીતિ સામે કૉલેજોના સંચાલક મંડળો બાંયો ચઢાવશે
- સંકલન સમિતિની બેઠકમાં રણનીતિ ઘડી કઢાઈ
- સત્તાધિશોની ભેદભાવભરી નીતિના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી : આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરાશે
આણંદ, તા. 30 મે 2020, શનિવાર
છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વંટોળમાં સંડોવાયેલ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તાધીશોની કાર્યરીતિ સામે યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોના સંચાલક મંડળ સહિતની સંકલન સમિતિ દ્વારા બાંયો ચઢાવવામાં આવી છે. આજરોજ સંચાલક મંડળ, આચાર્ય મંડળ અને અધ્યાપક મંડળની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં યુનિ.ના કુલપતિ દ્વારા કરવામાં આવી રહેલ મનસ્વી નિર્ણયો સામે રણનીતિ ઘડવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વધુમાં મળતી વિગતો મુજબ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સંલગ્ન વિવિધ કોલેજના સંચાલક મંડળ, આચાર્ય મંડળ, અધ્યાપક મંડળ તથા યુનિ. સાથે સંકળાયેલ તમામ સંવર્ગનોની સંકલન સમિતિની મીટીંગ આજે યોજાઈ હતી. જેમાં ૩૫થી વધુ કોલેજના ટ્રસ્ટીગણો, આચાર્યો તથા અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓ સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલ મીટીંગમાં છેલ્લા કેટલાક સમયથી યુનિ.ના કુલપતિ દ્વારા લેવામાં આવી રહેલ મનઘડત નિર્ણયોનો વિરોધ કરી તે બાબતની રણનીતિ ઘડવામાં આવી હતી. યુનિ. સત્તાધીશોની ભેદભાવ ભરી નીતિના કારણે વિદ્યાર્થીઓનો ભોગ લેવાઈ રહ્યો છે તેવા આક્ષેપ સાથે યુનિ.ના વિકાસ માટે ચિંતિત સંવર્ગનો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આજે યોજાયેલ સંકલન સમિતિની મીટીંગમાં ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છતાં નિમણુંકમાં વિલંબ, યુનિ.ના ડીન કે ચેરમેન રાખવાનો દુરાગ્રહ, બોર્ડ ઓફ સ્ટડીઝ જૂની પધ્ધતિ પ્રમાણે રાખવી, યુનિ.ના કયા કર્મચારીને એની ભૂલ માટે દંડ કરાયો તેમજ એફીલીએશન ફી, એક્ઝામ ફી, હોલ ટીકીટ ઈસ્યુ ફી, જીમખાના ફી વગેરે બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી યુનિ. સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.