Get The App

આણંદના ફાર્મ હાઉસમાં રેડ : 1.71 લાખની રોકડ સાથે 10 જુગારિયા ઝડપાયા

Updated: Feb 18th, 2023

GS TEAM

Google News
Google News
આણંદના ફાર્મ હાઉસમાં રેડ : 1.71 લાખની રોકડ સાથે 10 જુગારિયા ઝડપાયા 1 - image

- આણંદ ગ્રામ્ય પોલીસે જુગારધામ ઝડપ્યું

- ફાર્મહાઉસના માલિક સહિત તમામ સામે જુગારધારાની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ

આણંદ : આણંદ પાસેના લાંભવેલ રોડ ઉપર આવેલ નાની કેનાલ નજીકના એક ફાર્મ હાઉસ ખાતે આણંદ ગ્રામ્ય પોલીસે ગઈકાલ સમી સાંજના સુમારે ઓચિંતો છાપો મારીને જુગારધામ ઝડપી પાડયું હતું. પોલીસે ફાર્મહાઉસના માલિક સહિત દસ શખ્સોને ઝડપી પાડી રૂા.૧.૭૨ લાખની રોકડ જપ્ત કરી ઝડપાયેલ તમામ શખ્સો વિધુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ સમી સાંજના સુમારે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન રાવળાપુરા-લાંભવેલ રોડ પર આવેલ નાની કેનાલ નજીકના સુધાંશુ પટેલના પીસ ફાર્મહાઉસ ખાતે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ફાર્મહાઉસ ખાતે ઓચિંતો છાપો મારતા એક રૂમમાં જુગાર રમતા દસ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ પરથી તેમજ અંગઝડતીમાંથી મળી રૂા.૧,૭૨,૫૦૦ની રોકડ જપ્ત કરી ઝડપાયેલ શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે મેહુલ અશોકભાઈ પુરોહીત (રહે.પેટલાદ), મહેશ ફીલીપભાઈ પરમાર (રહે.ગામડી), દિક્ષીત સુર્યકાંતભાઈ પટેલ (રહે.સારસા), હીરલ ઠાકોરભાઈ પટેલ (રહે.આણંદ), જીતેન્દ્ર ગોપાલભાઈ હીંગુ (રહે.પણસોરા), આશિષ કાંતિભાઈ પટેલ (રહે.વહેરાખાડી), સુધાંશુ બાબુભાઈ પટેલ (રહે.આણંદ), જીતુભાઈ વલ્લભભાઈ પટેલ (રહે.સુંદરણા), અમિત હર્ષદભાઈ પંડયા (રહે.મોરડ) અને હરીશભાઈ રમેશભાઈ પટેલ (રહે.સારસા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ તમામ શખ્સો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલમાં માત્ર ને માત્ર રોકડનો ઉલ્લેખ છે જ્યારે વાહનોનો કોઈ ઉલ્લેખ ન હોઈ સાંજના સુમારે જિલ્લાના અલગ-અલગ સ્થળોએથી જુગાર રમવા એકત્ર થયેલ શખ્સો પૈકી કોઈપણ વાહન વિના આવ્યું હશે કે પછી ફાર્મહાઉસના માલિકે પરિવહનની વ્યવસ્થા કરી આપી હશે? તે પ્રશ્ન જાગૃતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.