આણંદમાં માજી સૈનિકો, વીર નારીઓને ખેતી માટે જમીન નહિં ફાળવાતા રેલી
- એક મહિના પહેલા તંત્રએ બાંહેધરી આપી પણ પરિણામ શૂન્ય
- જમીનની ફાળવણી સહિતના 14 મુદ્દા અંગે રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
આણંદ,તા.20 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
આણંદ સ્થિત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા માજી સૈનિકો તથા વીર નારીઓને સરકાર દ્વારા ખેતીના હેતુ માટે જમીન ફાળવવા સહિતના ૧૪ મુદ્દા અંગે અમલીકરણ કરવા માટે ગુરૂવારના રોજ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીવનનો અમૂલ્ય સમય દેશ માટે અર્પણ કરનાર પૂર્વ સૈનિકો તથા દેશ માટે શહીદી વ્હોરનાર શહીદ પરિવાર અને વીર નારીઓને ગુજરાત સરકાર દ્વારા ૧૬ એકર સુધીની ખેતીની જમીન આપવાની જોગવાઈ છે. આમ, આ બાબતે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ગત જાન્યુઆરી માસમાં અમદાવાદના શહીદ સ્મારક ખાતે મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા ગૃહમંત્રી તથા અન્ય પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી અને જમીનની ફાળવણી કરવા બાંહેધરી આપવામાં આવી હતી.
જો કે આ વાતને એક માસનો સમય વીતવા આવ્યો હોવા છતાં સરકાર દ્વારા આ મામલે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા આણંદ જિલ્લાના માજી સૈનિકો તેમજ વીર નારીઓના પરિવાર દ્વારા અગાઉ કરાયેલ જમીન માંગણીઓની અરજી અંગે કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આણંદ શહેરના શાસ્ત્રી મેદાન ખાતેથી રેલીનું આયોજન કરાયું હતું. ખેતીની જમીન ઉપરાંત માજી સૈનિકને પાંચ વર્ષ ફીક્સ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે, નિમણુંક વખતે અનાતમનો ચુસ્તપણે અમલ કરવામાં આવે, સરકાર દ્વારા શહીદ પરિવારને અપાતી આર્થિક સહાયની રકમમાં વધારો કરવામાં આવે સહિતની ૧૪ જેટલી માંગણીઓ લઈને માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા આ મામલે સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી.