આણંદ અને બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા : 15 લાખની વીજચોરી ઝડપાઈ
આણંદ, તા.14 માર્ચ 2020, શનિવાર
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વીજ ચોરી અંગે ફરિયાદો ઉઠતા વીજીલન્સ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ દરોડા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના આણંદ તેમજ બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં વડોદરાની વીજીલન્સ ટીમો દ્વારા દરોડા પાડી રૂા.૧૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ આણંદ જિલ્લામાં વીજ ચોરી અટકાવવા માટે વડોદરાની વીજ કંપનીની વીજીલન્સ ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વીજીલન્સની ટીમો દ્વારા આણંદ તથા બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિવિધ સ્થળોએ ચેકીંગ કરતા ૬૦ જેટલા કનેક્શનોમાં ગેરરીતિ જણાઈ આવતા વીજચોરી કરનાર શખ્શો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આણંદ જિલ્લાના મોગરી સબડીવીઝન તથા બોરસદ ગ્રામ્ય સબડીવીઝનના જુદા જુદા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વડોદરા વીજીલન્સની ૪૨ ટીમો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કોમર્શીયલ તથા ઘરવપરાશ સહિતના ૮૦૦થી વધુ વીજ કનેક્શનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬૦ જેટલા કનેક્શનોમાં ડાયરેક્ટ જમ્પર નાખવું, ટેટા મુકવા સહિતની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. આ તમામ વીજચોરો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂા.૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.