Updated: May 23rd, 2023
- ઉમરેઠ પાલિકાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી
- વિદ્યાર્થી, નોકરિયાત, ધંધાદારી વર્ગની સુવિધા માટે બસ સેવા ચાલુ કરવી જરૂરી
ઉમરેઠ નગરપાલિકા દ્વારા કલેક્ટરને કરાયેલ લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉમરેઠ નગરપાલિકા તથા ઉમરેઠની આજુબાજુના ગામડાંઓમાંથી આશરે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો દરરોજ ઉમરેઠથી આણંદ અપડાઉન કરે છે. જો કે આણંદ આવવા-જવા માટે એસ.ટી. બસની પુરતી સુવિધા ન હોઈ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉમરેઠ શહેર નડિયાદ-ગોધરા અને આણંદ-ગોધરાના મુખ્ય માર્ગ ઉપર આવેલ હોઈ એસ.ટી. બસો ગોધરા તથા ડાકોરથી મુસાફરોથી ભરેલ આવતી હોય છે. જેને કારણે ઉમરેઠના મુસાફરોને એસ.ટી.બસમાં ઉભા ઉભા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ આણંદમાં ચાલતી વીટકોસ બસને વાયા ભાલેજ, લીંગડા, ઉમરેઠ સુધી ચલાવવાની મંજુરી આપવા રજૂઆતમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે વીટકોસ બસનો કોન્ટ્રાક્ટ આણંદ શહેર માટે પાલિકાએ આપ્યા બાદ આણંદથી વડતાલ, આણંદથી બાંધણી ચોકડી, આણંદથી વડોદરાની વીટકોસ બસ સેવા છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ કરાઈ છે. સાથે સાથે આણંદથી ૩૫ કીલોમીટર દુરના તારાપુર ખાતે વીટકોસ બસ દર અડધા કલાકે દોડાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ઉમરેઠ નગરપાલિકા દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાનમાં લઈ આણંદથી ઉમરેઠ વીટકોસ બસ સેવા શરૂ કરવા રજૂઆત કરાઈ છે.