હજુ આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો ઉંચે જાય તેવી સંભાવના : બપોરે આકરી ગરમીનો અનુભવ
- કાળઝાળ ગરમીથી લોકો, પશુ-પક્ષીઓની હાલત કફોડી
- આણંદ જિલ્લામાં તાપમાનનો પારો 43 ડિ.સે. : સિઝનનો સૌથી ગરમ દિવસ
આણંદ, તા.25 મે 2020, સોમવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિ.સે. ઉપર પહોંચી જતા ચાલુ વર્ષે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. કાળઝાળ ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમ્યાન હજી તાપમાનનો પારો ઉંચે જશે અને જિલ્લાવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડશે.
છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ચરોતર પંથકમાં સૂર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે. ગત તા.૧૪ મે બાદ આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિ.સે.ની આસપાસ નોંધાયો હતો. ત્યારબાદ તા.૨૨ મેના રોજ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા તાપમાન ૪૨.૫ ડિ.સે. નોંધાયું હતું. બાદમાં ગઈકાલ રવિવારના રોજ પણ મહત્તમ તાપમાન ૪૨.૫ નોંધાયા બાદ આજે સોમવારના રોજ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા તાપમાનનો પારો ૪૩ ડિ.સે. સુધી પહોંચી જતા ચાલુ વર્ષે સૌપ્રથમવાર મહત્તમ તાપમાન આટલું ઉંચુ ગયું છે. છેલ્લા એક સપ્તાહથી આણંદ જિલ્લામાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ જિલ્લાવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આણંદ જિલ્લાના કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારોમાં સવારના ૮.૦૦ થી બપોરના ૪.૦૦ કલાક સુધી વિવિધ વેપાર-ધંધાને છુટછાટ આપવામાં આવી છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે બપોરના ૧૨.૦૦ કલાક બાદ માર્ગો ઉપર ટ્રાફિક નહીવત જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો સવારના સુમારે જ ખરીદી કરવાનું મુનાસીબ સમજી રહ્યા છે. લોકો ગરમી સામે રક્ષણ મેળવવા એસી, કુલર, પંખાનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ ગરીબ મજુર વર્ગના લોકો વૃક્ષના છાંયડે આરામ ફરમાવી ગરમીનો સામનો કરી રહ્યા છે.આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૩.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૫.૦ ડિ.સે. નોંધાયું હતું.
જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા, પવનની ઝડપ ૬.૭ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાસ ૧૧.૬ નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે અને જિલ્લાવાસીઓને હીટવેવનો સામનો કરવો પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.