Get The App

લૉકડાઉનમાં વીજબિલ, વિવિધ વેરા માફ કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસની માંગ

- મહામારીમાં સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત

- આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પાઠવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા જણાવાયું

Updated: May 26th, 2020

GS TEAM

Google News
Google News
લૉકડાઉનમાં વીજબિલ, વિવિધ વેરા માફ કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસની માંગ 1 - image


આણંદ, તા.26 મે 2020, મંગળવાર

કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરાતા ગરીબ મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. જેને લઈ સરકાર દ્વારા આ વૈશ્વિક મહામારી વચ્ચે લોકોને રાહત મળે તે હેતુથી વીજળી બીલ વિવિધ વેરા તેમજ શૈક્ષણિક ફીમાંથી માફી આપવામાં આવે તેવી માંગ સાથે આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આંકલાવના મામલતદારને આવેદનપત્ર પાઠવી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવે તેમ જણાવાયું છે.

છેલ્લા ત્રણ માસથી વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. તેમાંય ખાસ કરીને ગુજરાતમાં આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરાયું છે. જેને લઈ ધંધા-રોજગાર બંધ રહેતા ગરીબ મધ્યમવર્ગ માટે જીવન નિર્વાહ ચલાવવું કપરું બન્યું છે. પ્રજાજનો પાસે થોડીઘણી બચત હતી તે પણ ખર્ચાઈ ગઈ છે. આ સંજોગોમાં સરકારે પ્રજાજનોને મહત્તમ સહાય થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ગુજરાત રાજ્યમાં લાંબા લોકડાઉનને લીધે આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવામાં આવે તે હેતુથી કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જે અંતર્ગત માર્ચ-૨૦૨૦થી જૂન-૨૦૨૦ સુધીના તમામ લોકોના વીજળી બીલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણીવેરા અને મિલ્કતવેરા માફ કરવામાં આવે અને નાના વેપારીઓના ધંધા સ્થળના વેરા માફ કરવામાં આવે તથા ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે તેવી માંગ આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ છે. સાથે સાથે વર્તમાન કપરાં સંજોગોમાં કૃષિ ધિરાણનું મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે નાણાંની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદ્દતમાં વધારો કરવાની સાથે વ્યાજ માફ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :