સરદાર પટેલ યુનિ.માં તા.29 મી જૂનથી શરૃ થયેલી અનુસ્નાતક કક્ષાની પરીક્ષા મોકુફ
- કોરોનાનું સંક્રમણ વધતા રાજય સરકારના આદેશથી
- અત્યાર સુધીમાં લેવાયેલા વિષયોની પરીક્ષા માન્ય રહેશે, બાકીના વિષયોની પરીક્ષા અંગે યુનિ.ની વેબસાઈટ પર કાર્યક્રમ જાહેર કરાશે
આણંદ, તા. 1 જુલાઈ 2020, બુધવાર
વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગત તા.૨૯ જુનના રોજથી શરૃ કરાયેલ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ આજે રાજ્ય સરકારના આદેશથી મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી યુનિ.દ્વારા યોજાનાર આ પરીક્ષાનો મુદ્દો ગરમાયો હતો અને કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે યુનિ. સત્તાધીશો દ્વારા ગત સોમવારના રોજથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો હતો.
કોરોના વાયરસની મહામારી વચ્ચે ગત તા.૨૯મીના રોજથી વલ્લવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અનુસ્નાતક કક્ષાના ઇતિહાસ, પોલીટીકલ સાયન્સ અને સંસ્કૃત વિષયના અભ્યાસક્રમોની પરીક્ષાઓ લેવાનું શરૃ કરાયું હતું. જો કે આ અંગે કેટલાક વિદ્યાર્થી યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી આ પરીક્ષા મોકૂફ રાખવા માટે રજુઆતો કરાઈ હતી. તેમ છતાં યુનિ.સત્તાધીશો દ્વારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પરીક્ષાઓ ચાલુ રખાઈ હતી. જો કે આજે આ બાબતે નવો વળાંક આવતા રાજ્યસરકારના આદેશથી યુનિ.સત્તાધીશો દ્વારા અનુસ્નાતક અભ્યાસક્રમોની પરીક્ષાઓના કાર્યક્રમોની જાહેરાત હવે પછીથી યુનિ.ની વેબસાઈટ ઉપર કરવામાં આવશે તેમ યુનિ. સૂત્રો દ્વારા જણાવાયું છે.
આ અંગે યુનિ.ના કુલપતિ ડો.શીરીષ કુલકર્ણી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ મુજબ ગત તા.૨૯ જૂનથી શરૃ થયેલ યુનિ.ના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં લેવાયેલ વિષયોની પરીક્ષા માન્ય રહેશે. આગામી સમયમાં બાકી રહેલ પેપરો સંદર્ભે યુનિ.ની વેબસાઈટ ઉપર કાર્યક્રમ જાહેર થયા મુજબ પરીક્ષા લેવાશે.